Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

જમ્મુમાં આર્મી કેમ્પ ઉપર ત્રાસવાદી હુમલોઃ ૨ જવાન શહીદ

જમ્મુમાં આવેલ સુંજવાન આર્મી કેમ્પની ઘટનાઃ જૈશના ત્રાસવાદીઓનું કારસ્તાનઃ ઉધમપુરથી પેરા-મિલિટ્રી ફોર્સ મોકલાયઃ હુમલામાં એક જેસીઓ અને બે જવાનો સહિત ત્રણને ઇજાઃ હુમલામાં ત્રણથી પાંચ આતંકી સામેલ હતા

જમ્મુ તા. ૧૦ : જમ્મુ પઠાણકોટ માર્ગ પર સુંજવાનમાં આજે વહેલી સવારે જૈશએ મોહમ્મદના ફિદાઇન ત્રાસવાદીએ હુમલો કર્યો. આ દરમિયાન સેનાના બે જવાન શહિદ થઇ ગયા અને અન્ય ૪ જવાનોને ઇજા પહોંચી હતી. આ હુમલો ત્રણથી પાંચ ત્રાસવાદીઓએ કર્યો, જે કેમ્પની અંદર છુપાયેલા હતા. આ પહેલા એક હવાલદાર અને તેની પુત્રી સહિત ત્રણ લોકોના ઘાયલ થવાના અહેવાલ હતા. સેનાએ ત્રાસવાદીઓને ઘેરી લીધા છે. હવે અંતિમ ઓપરેશનની તૈયારી કરવામાં આવી રહી છે તેની સાથે જ પોલીસ સર્ચ ઓપરેશનમાં લાગી છે. ઉધમપુરથી પેરા-મિલિટ્રી ફોર્સ મોકલાય છે. ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના ડીજીપી સાથે વાત કરી છે અને બધી વિગતો મેળવી છે. ત્રાસવાદીઓના ખાત્મા માટે આર્મીનું ઓપરેશન ચાલુ છે. આ હુમલો વહેલી સવારે ૪.પપ કલાકે થયો હતો. ઘટના બાદ જમ્મુ શહેરમાં રેડ એલર્ટ કરી દેવામાં આવેલ છે.  અત્રે એ નોંધનીય છે કે અફઝલ ગુરૂની વરસી પર જૈશના ત્રાસવાદીઓ ત્રાટકશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. અફઝલ ગુરૂને ૯ ફેબ્રુઆરી ર૦૧૩ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

ત્રાસવાદીઓ કિનયરી તળાવથી કેમ્પમાં ઘુસ્યા હતા અને ગોળીબાર કરી રહેણાંક વિસ્તારોમાં છુપાયા હતા. જયાં છુપાયા છે એ વિસ્તારને ઘેરી લેવાયો છે અને ઓપરેશન ચાલુ છે. આ હુમલો કેમ્પના ફેમીલી કવાટર ઉપર કરવામાં આવ્યો હતો. જેમાં એક ઓફિસર શહીદ થયા હતા અને તેની પુત્રીને ઇજા થઇ હતી. અત્યાર સુધીમાં બે જવાનો ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. કેમ્પ પાસેની પ૦૦ મીટરમાં આવેલી તમામ શાળાઓને બંધ રાખવાના આદેશો અપાયા છે. હેલીકોપ્ટરથી પણ બાજ નજર રાખવામાં આવી છે. આ કેમ્પમાં આશરે ૩૦૦૦ જવાનો રહે છે. સુંજવા કેમ્પ જમ્મુ શહેરમાં જ આવેલ છે.(૨૧.૨૫)

(2:49 pm IST)