Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

મોદી ખેલશે મોટો દાવઃ ડિસેમ્બરમાં લોકસભા-૧૦ રાજયોની ચૂંટણી

મે ર૦૧૯ પહેલા ડિસેમ્બર-ર૦૧૮ એટલે કે પાંચ મહિના પહેલા લોકોની અદાલતમાં ફરીથી જનાદેશ માંગી મોટો જંગ જીતવા પ્લાનઃ અંદરખાને જોરશોરથી તૈયારીઃ લોકસભાની સાથે જ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, તેલંગાણા, આંધ્ર, બિહાર, સિક્કીમની ચૂંટણી યોજાય તેવી શકયતા

નવી દિલ્હી તા.૯ : દેશની જનતાએ ર૦૧૪ના ચૂંટણી સમરમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને ૬૦ મહિના માટે સત્તા સોંપી હતી પરંતુ હવે તૈયારી થવા લાગી છે કે મે ર૦૧૯ પહેલા ડિસેમ્બર-ર૦૧૮માં એટલે કે પાંચ મહિના પહેલા પીએમ મોદી લોકોની અદાલતમાં ફરી જનાદેશ લઇને જશે. માનવામાં આવે છે કે ભાજપ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીની સાથે-સાથે લોકસભાની ચૂંટણીનો દાવ પણ ખેલવાનુ મન બનાવી રહ્યુ છે. દેશમાં પહેલીવાર ચૂંટણીનો દાવ મોટાપાયે ખેલવાની તૈયારી થઇ રહી છે. લોકોની પણ માનસિકતા છે કે લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણી પણ થાય આ માટે ભાજપ શાસિત મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની સરકારને દાવ ઉપર લગાડવા પણ ભાજપને વાંધો નથી. તેથી ત્યાં પણ ૧૦ થી ૧૧ મહિના પહેલા ચૂંટણી યોજવાની તૈયારી છે. આ ત્રણેય રાજયોની વિધાનસભાની મુદત ઓકટો.-નવેમ્બર ર૦૧૯માં પુરી થઇ રહી છે એટલે કે છ રાજયોની ચૂંટણી એક સાથે થઇ શકે તેમ છે.

ભાજપ શાસિત આ છ રાજયોની વિધાનસભાની ચૂંટણીની સાથે પક્ષ એનડીએમાં પોતાના સહયોગી ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને ચંદ્રશેખર રાવની તેલંગાણા પક્ષને પણ સમય પહેલા ચૂંટણી કરાવવા મનાવી રહ્યુ છે. આનાથી આંધ્ર અને તેલંગાણા પણ સમયથી પાંચ મહિના પહેલા લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની ચૂંટણી સંભવ થઇ શકશે. આ રીતે સિક્કીમની ચૂંટણી પણ પાંચ મહિના પહેલા યોજવા તૈયારી થઇ રહી છે.

લોકસભા અને આ નવ રાજયની ચૂંટણીની સાથે નીતિશકુમાર પણ બિહારમાં ચૂંટણી યોજવા તૈયાર થઇ શકે છે. તેઓ કહી ચુકયા છે કે જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય તો બિહાર વહેલી ચૂંટણી યોજવા તૈયાર છે. જો હકીકતમાં ડિસેમ્બરમાં ચૂંટણીની આવી તસ્વીર ઉપસે તો દેશમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી કરાવવાની સોચનો આ સેમીફાઇનલ હશે.

અંદરખાને ડિસેમ્બરમાં જ લોકસભાની ચૂંટણીની સાથે જ દસ રાજયોની વિધાનસભાની ચૂંટણી પણ થાય તેવી તૈયારી થઇ રહી છે. આનાથી મોદી લોકસભાની ચૂંટણી થકી દસ રાજયોની ચૂંટણીના મુખ્ય કેન્દ્રમાં આવી જશે. રાજયોમાં તૈનાત ભાજપના સીએમની આસપાસ ચૂંટણી ન થઇને મોદી કેન્દ્રમાં આવી જશે. મોદીના આ ટ્રમ્પકાર્ડથી ભાજપ શાસિત રાજયોમાં પણ સત્તા વિરોધી લહેર પણ ધીમી પડી જશે. રાજસ્થાન, મ.પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સત્તા વિરોધી લહેર નડી શકે છે. જયારે મહારાષ્ટ્રમાં શિવસેના આડી ફાટી છે. લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી થશે તો કેન્દ્રમાં મોદી રહેશે એટલુ જ નહી તેમને રાહત પણ થશે. ર૦૧૯માં સરકાર પોતાના કામકાજને બતાડવાની જગ્યાએ ર૦રર સુધીનો સમય માંગશે. એક તરફ બધી ચૂંટણી સાથે થતા ખર્ચ બચશે તો બીજી તરફ આઝાદી ૭પ વર્ષ પુરા થવા પર ન્યુ ઇન્ડિયાની સોચની હવા બનાવવાનો રસ્તો પણ મળશે. (૩-૧૬)

(5:16 pm IST)