Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ટ્રમ્પ અને મોદીની માલદીવ સંકટને લઇ ફોન પર થઇ વાતચીત

અફઘાનિસ્તાન, ભારત મહાદ્વિપ, સુરક્ષા અને આતંકવાદના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી

નવી દિલ્હી તા. ૯ : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ શુક્રવારના રોજ સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે ફોન પર વાત કરી. આ દરમ્યાન બંને નેતાઓએ કેટલાંય મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમાં માલદીવ સંકટ અગત્યનો મુદ્દો હતો. વ્હાઇટ હાઉસના મતે બંને નેતાઓએ અફઘાનિસ્તાન, ભારત મહાદ્વીપ, સુરક્ષા અને આતંકવાદના મુદ્દાઓ પર પણ વાત કરી.

વ્હાઇટ હાઉસ દ્વારા રજૂ કરાયેલા નિવેદનમાં બંને નેતાઓએ માલદીવની તાજેતરની સ્થિતિ પર ચિંતા વ્યકત કરી છે. સાથો સાથ આશા પણ વ્યકત કરી છે કે ત્યાં લોકતંત્ર અને કાયદા પર ખાસ ધ્યાન અપાશે. આપને જણાવી દઇએ કે ૨૦૧૮માં બંને નેતાઓની વચ્ચે આ પહેલી વખત સત્તાવાર વાતચીત છે. આની પહેલાં બંને નેતાઓ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમ્યાન મળશે તેવી આશા હતી, પરંતુ મુલાકાત થઇ શકી નહોતી.

બંને નેતાઓની વાતચીતનો મુખ્ય મુદ્દો દક્ષિણ એશિયામાં સુરક્ષા વ્યવસ્થા અને શાંતિ સ્થાપિત કરવાનો પણ રહ્યો. ટ્રમ્પ એ મોદી સાથે અમેરિકાની નવી અફઘાન નીતિ પર પણ વાત કરી.

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીની વચ્ચે મ્યાનમારના રોહિંગ્યા મુદ્દા પર વાત થઇ. ઉલ્લેખનીય છે કે અત્યારે બાંગ્લાદેશમાં અંદાજે ૬,૮૦,૦૦૦ રોહિંગ્યા શરણાર્થી છે. તેની અસર તેના અર્થતંત્ર પર પણ પડી રહી છે. બંને નેતાઓએ આ મુદ્દા પર પણ વાત કરી. અમેરિકાએ કહ્યું છે કે રોહિંગ્યા શરણાર્થીઓ માટે અત્યારે મ્યાનમાર પરત ફરવાનો યોગ્ય સમય નથી.

છેલ્લાં કેટલાંક સમયથી અમેરિકા અને દુનિયા માટે ચિંતાનો વિષય બનેલ નોર્થ કોરિયા પણ બંને નેતાઓની વાતચીતનો વિષય બન્યા. બંને નેતાઓએ નોર્થ કોરિયાની ધમકીઓના મુદ્દાને ઉકેલવાની પણ વાત કરી.

(12:48 pm IST)