Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોદી દેશના વડાપ્રધાન છે. અમને તેમની ચિંતા છે, આખા દેશને તેમની ચિંતા છે, આ કારણે જ મેં ચન્નીજીને ફોન કરીને આ અંગે જાણકારી લીધી હતી: પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે ફોન પર વાત કરવા અંગે સ્પષ્ટતા કરતાં પ્રિયંકા ગાંધી

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું

નવી દિલ્હી: પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે ફોન પર વાત કરવા અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મોદી દેશના વડાપ્રધાન છે. અમને તેમની ચિંતા છે. આખા દેશને તેમની ચિંતા છે. આ કારણે જ મેં ચન્નીજીને ફોન કરીને આ અંગે જાણકારી લીધી હતી.
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પીએમની સુરક્ષા મુદ્દે એમ કહીને વિવાદ સર્જ્યો હતો કે, તેમણે કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક મુદ્દે જાણકારી આપી હતી. આ મામલે ભાજપે એવો સવાલ કર્યો હતો કે, આખરે કયા અધિકારથી ચન્નીએ પ્રિયંકા ગાંધીને ફોન કરીને પીએમની સુરક્ષાને લઈ જાણકારી આપી.
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રચાર કરવાને લઈ પ્રિયંકાએ કહ્યું, સોશિયલ મીડિયા પર ભાજપની મશીનરી ખૂબ મજબૂત છે. તેઓ ઘણાં દિવસોથી આના પર કામ કરી રહ્યા છે. હું અખિલેશ યાદવના નિવેદન સાથે સહમત છું. ભાજપને સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રચારમાં મદદ મળશે.
અસલમાં ચૂંટણી પંચે આ વખતે કોરોનાની કઠિન પરિસ્થિતિ વચ્ચે થઈ રહેલી ચૂંટણીને લઈ અનેક નિયમો અંગે પણ વાત કરી હતી. તેમાં ચૂંટણી પંચે રેલીઓ પર પ્રતિબંધ મુકીને વર્ચ્યુઅલ માધ્યમથી ચૂંટણી પ્રચારની વાત કરી છે. તેવામાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સવાલ કર્યા હતા. અખિલેશ યાદવે કહ્યું હતું કે, ભાજપના લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર કબજો જમાવીને બેસેલા છે.

(6:02 pm IST)