Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

પીએમની સુરક્ષામાં ખામી મામલે સુપ્રીમકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમિતિ કરશે તપાસ

કેન્દ્ર અને પંજાબ બંનેને પોતપોતાની પેનલ દ્વારા તપાસ પર રોક લગાવતી સુપ્રીમકોર્ટ :કેન્દ્ર સરકારની કાર્યવાહી પર સુપ્રીમકોર્ટે સવાલો ઉઠાવ્યા

પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ખામીની ઉચ્ચ સ્તરીય તપાસ થશે. સુરક્ષામાં ખામીઓની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે. કોર્ટે કહ્યું કે ટૂંક સમયમાં આ મામલે આદેશ જારી કરવામાં આવશે. કોર્ટે કેન્દ્ર અને પંજાબ બંનેને પોતપોતાની પેનલ દ્વારા તપાસ પર રોક લગાવવા જણાવ્યું હતું. આ સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે

સુનાવણી દરમિયાન CJI એમવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે કેન્દ્ર સરકારને પૂછ્યું કે જો કેન્દ્ર કારણ નોટિસમાં બધું જ સ્વીકારી રહ્યું છે તો કોર્ટમાં આવવાનો શું અર્થ છે? તમારી કારણ બતાવો નોટિસ સંપૂર્ણપણે વિરોધાભાસી છે.

કમિટી બનાવીને તમે તપાસ કરવા માંગો છો કે શું SPG એક્ટનું ઉલ્લંઘન થયું છે? પછી તમે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીને દોષી માનો છો. કોણે તેમને દોષી ઠેરવ્યા? કોણે તેમણે સાંભળ્યા?

કોર્ટે કહ્યું, જ્યારે તમે નોટિસ જારી કરી, તે અમારા આદેશ પહેલાની હતી. તે પછી અમે અમારો ઓર્ડર પસાર કર્યો. તમે તેમણે 24 કલાકની અંદર જવાબ આપવા માટે કહી રહ્યા છો, તે તમારાથી અપેક્ષિત નથી. તમે તો પૂરો મન બનાવીને આવ્યા છો. તમારી દલીલો દર્શાવે છે કે તમે પહેલાથી જ બધું નક્કી કરીને આવ્યા છો. તો પછી આ કોર્ટમાં શા માટે આવ્યા છો? તમારી નોટિસ જ વિરોધાભાસી છે. કારણ કે અમે દરેકને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાની મનાઈ કરી હતી. એક તરફ અમે SSPને નોટિસ મોકલીએ છીએ અને અહીં તમે તેમને દોષિત પણ કહી રહ્યા છો. આ બધુ શું છે? તપાસ બાદ તમારી વાત સાચી પડી શકે છે પણ તમે અત્યારે આ બધું કેવી રીતે કહી શકો? જ્યારે તમે દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરી ચૂક્યા છો તો કેન્દ્ર સરકાર હવે અમારી પાસેથી કેવો આદેશ ઈચ્છે છે?

(2:16 pm IST)