Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ટુંક સમયમાં ‘રિટેલ ટ્રેડ’ પોલીસી નાના વેપારીઓને સુરક્ષા ચક્ર

ચોરી - દુર્ઘટના - કુદરતી આફત સામે વેપારીઓને મળશે સુરક્ષાઃ વીમા યોજના આવશે : લો-કોસ્ટ ફાયનાન્સ, કોમ્પ્લાયન્સનો ભાર હળવો કરાશે, ડીજીટલ તરફ જવામાં મદદ, ઇ-કોમર્સના પડકાર સામે પણ રક્ષણ જેવી બાબતો હશે પોલીસીમાં

નવી દિલ્હી તા. ૧૦ : ઉંદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન્ વિભાગ (ડીપીઆઇઆઇટી) ટુંક સમયમાં રીટેઇલ વ્યાપાર નીતિ માટે સાર્વજનિક વિચારણા શરૂ કરશે. તેમાં ચોરી, દુર્ઘટના અથવા કોઇ કુદરતી આપત્તિથી વેપારીઓની સુરક્ષા માટે એક વીમા યોજના સામેલ કરવાના અણસાર છે. એક સીનીયર સરકારી અધિકારીએ બીઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું કે, નીતિમાં ધંધાર્થીઓની મદદ માટે તેમને ઓછા વ્યાજની લોન સુવિધા ઉંપલબ્ધ કરાવવા, ડીજીટલ સમાવેશનને પ્રોત્સાહન આપવા અને ઉંપયુક્ત બુનિયાદી માળખું તૈયાર કરવાની પધ્ધતિઓની ઘોષણા કરવામાં આવશે.
સરકારના આ પગલાથી ખાસ કરીને પરંપરાગત ધંધાર્થીઓને મદદ મળવાની શકયતા છે જેમને મોટી ઇ-કોમર્સ કંપનીઓ સામે સખત હરીફાઇ કરવી પડે છે. આ ધંધાર્થીઓની ફરીયાદ છે કે આ વિદેશી રોકાણોવાળી મોટી ઇ-કોમર્સ કંપનીઓ અવૈધ ધંધાકીય હથકંડાઓ અપનાવી રહી છે. આ નીતિ એવા સમયે લાગુ કરાઇ રહી છે, જ્યારે સરકાર ઇ-કોમર્સ ક્ષેત્રમાં નિયમો સખત કરવા અંગેના પ્રસ્તાવિત કેટલાક નિયમોમાં ઢીલ આપવા અંગે વિચારી રહી છે. ઉંદ્યોગની લોબી ભારતીય ઉંદ્યોગ પરિસંઘ (સીઆઇઆઇ) અને વૈશ્વિક સલાહકાર કંપની કાર્ની દ્વારા તૈયાર રિપોર્ટ અનુસાર, ભારતીય અર્થવ્યવસ્થામાં રીટેઇલ ત્રીજું સૌથી મોટું સેકટર છે જેનું જીડીપીમાં ૧૨ ટકાથી વધારે યોગદાન છે. આ સેકટર પાંચ કરોડથી વધારે લોકોને રોજગારી આપે છે.
અધિકારીએ કહ્યું, ‘પ્રસ્તાવિત રાષ્ટ્રીય રીટેઇલ વ્યાપાર નીતિનો ઉંદ્દેશ દેશમાં કરીયાણાની દુકાનોને મદદ તથા પ્રોત્સાહન આપવાનો અને ધંધાર્થીઓના કલ્યાણનો છે. અમે ધંધો કરવા માટે જરૂરી લાઇસન્સની સંખ્યા ઘટાડીને તેમનો બોજ હળવો કરવાની રીતો શોધી રહ્યા છીએ. પહેલાથી મોજુદ એક પેન્શન યોજનાની જેમ અન્ય રીતે તેમને કોઇ દુર્ઘટના, ચોરી અથવા કુદરતી આપત્તિથી બચાવવા માટે વીમા પોલિસી હોઇ શકે છે. સરળતાથી લોન ઉંપલબ્ધતા અને ઓછા વ્યાજે લોન પણ એટલા જ મહત્વપૂર્ણ છે. આવી નીતિઓનું ક્રિયાન્વયન નાણા મંત્રાલય કરશે.’
 

(10:39 am IST)