Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અમરિન્દરસિંઘની પંજાબ લોક કોંગ્રેસ ચૂંટણીમાં મોટી ભૂમિકા ભજવવા સજ્જ: 5 ઉપાધ્યક્ષ અને 17 મહાસચિવોની નિમણૂક

બેઠકોની વહેંચણીને લઈને ત્રણેય પક્ષોના બે-બે નેતાઓની સમિતિ બનાવાઈ : ટૂંક સમયમાં બેઠકોની સંખ્યા અને નામ અંગે ચર્ચા કરશે:કુલ 117 બેઠકોમાંથી ભાજપ અડધાથી વધુ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી

નવી દિલ્હી :ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચની આ જાહેરાત સાથે પંજાબમાં તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસથી અલગ થયેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ પણ તમામ પક્ષોને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. કેપ્ટન અમરિન્દર સિંહે રવિવારે તેમની નવી રાજકીય પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ માટે 5 ઉપાધ્યક્ષ અને 17 મહાસચિવોની નિમણૂક કરી છે.

જનરલ સેક્રેટરી (સંગઠન) કમલ સેને જણાવ્યું હતું કે પાર્ટીના પદો પર નવી નિમણૂંક માટેના આદેશ રવિવારે જાહેર કરવામાં આવ્યા છે. પાંચ ઉપાધ્યક્ષો અમરીક સિંહ અલીવાલ, પ્રેમ મિત્તલ, ફરઝાના આલમ, હરજિંદર સિંહ ઠેકેદાર અને સંજય ઈન્દર સિંહ બાની ચહલ છે. જનરલ સેક્રેટરીઓમાં રાજવિંદર કૌર ભાગિકે, રાજિન્દર સિંહ રાજા, પુષ્પિન્દર સિંહ ભંડારી અને સરિતા શર્માનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે રોહિત કુમાર શર્માને મોહાલીના જિલ્લા પ્રમુખ તરીકે અને એડવોકેટ સંદીપ ગોરસીને પીએલસીના લીગલ સેલના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપે સુખદેવ સિંહ ઢીંડસાની આગેવાની હેઠળની SAD (યુનાઇટેડ) અને અમરિંદર સિંહની આગેવાની હેઠળની પંજાબ લોક કોંગ્રેસ સાથે જોડાણ કર્યું છે, જેમણે ગયા વર્ષે મુખ્યપ્રધાન તરીકે બિનસત્તાવાર રીતે બહાર નીકળ્યા પછી કોંગ્રેસ છોડી દીધી હતી. રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 10 માર્ચે મતગણતરી થશે.

પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથે હોવાનો ફાયદો પણ પાર્ટીને મળવાની આશા છે. કારણ કે તેઓ વારંવાર રાષ્ટ્રીય સુરક્ષા અને પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે તાજેતરમાં કહ્યું હતું કે કોંગ્રેસે પીએમની  સુરક્ષા સાથે રમત રમી છે. તેમણે કહ્યું કે પંજાબના લોકોએ જોયું છે કે કેવી રીતે નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની દરેક મુદ્દા પર લડી રહ્યા છે.

બેઠકોની વહેંચણીને લઈને ત્રણેય પક્ષોના બે-બે નેતાઓની સમિતિ બનાવવામાં આવી છે, જે ટૂંક સમયમાં બેઠકોની સંખ્યા અને નામ અંગે ચર્ચા કરશે. મળતી માહિતી મુજબ, કુલ 117 બેઠકોમાંથી ભાજપ અડધાથી વધુ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી કરી રહ્યું છે અને બાકીની બેઠકો સહયોગી પક્ષો માટે છોડવામાં આવશે. ભાજપનું ધ્યાન શહેરી અને હિંદુ, દલિત પ્રભુત્વવાળી બેઠકો પર છે.

(12:00 am IST)