Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

૧૧ વખત કોરોના વેક્સીન લેનાર વૃદ્ધની સામે FIR

ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે : બિહારના બ્રહ્મ દેવ મંડળ વિરુદ્ધ ૧૮૮, ૪૧૯ ૪૨૦ અંતર્ગત કેસ નોંધાયો જે બિનજામીનપાત્ર કલમો કહેવાય છે

નવી દિલ્હી, તા.૯ : થોડા દિવસો પહેલા ખોટી રીતે ૧૧ વખત કોરોના વાયરસની વેક્સિન લીધા બાદ ચર્ચામાં આવેલા બિહારના ૮૪ વર્ષીય વૃદ્ધની ટૂંક સમયમાં ધરપકડ થવાની છે.

 બિહારના મધેપુરા જિલ્લાના નિવાસી બ્રહ્મ દેવ મંડળ પર મધેપુરાના પુરેની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆરનોંધાઈ છે. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડૉ વિનય કૃષ્ણ પ્રસાદે કરેલી આ ફરિયાદ બાદ બ્રહ્મ દેવ મંડળ સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને હવે તેમની ધરપકડ માટેની કાર્યવાહી ચાલી રહી છે.

જાણકારી મુજબ બ્રહ્મ દેવ મંડળ વિરુદ્ધ IPCની કલમ ૧૮૮,૪૧૯ ૪૨૦ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે જે બિનજામીનપાત્ર કલમો કહેવાય છે. જોકે, પોતાની ઉંમરનો ઉલ્લેખ કરીને બ્રહ્મ દેવ મંડળને ધરપકડ બાદ જમાનત પણ મળી શકે છે.

જણાવી દઈએ કે બ્રહ્મ દેવ મંડળ અંગે આ વાતનો મોટો ખુલાસો થયો હતો કે જ્યારથી કોરોના વાયરસની વેક્સિન આવી છે, ત્યારથી તેમણે પોતાના આધાર કાર્ડ કે વોટર આઈકાર્ડનો ઉપયોગ કરીને અત્યારસુધીમાં ૧૧ વખત વેક્સિન લઈ લીધી છે.

નોંધનીય બાબત એ છે કે તેમની પાસે વેક્સિન લગાવ્યાની પૂરી માહિતી છે. માહિતી મુજબ તેમણે પહેલો ડોઝ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૧ના લીધો હતો. ૩૦ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં તેમણે રસીના કુલ ૧૧ ડોઝ લીધા. તેમની પાસે દરેક વેક્સીનેશનની તારીખ અને સમય પણ નોંધેલા છે.

બ્રહ્મ દેવ મંડળે દાવો કર્યો હતો કે ૧૧ વખત વેક્સિન લીધા બાદ તેમણે કેટલીક ગંભીર બીમારીઓથી છૂટકારો મેળવી લીધો છે. તેઓ થોડા દિવસો પહેલા જ ફરી વેક્સીન લેવા માટે ચૌસા પીએચસી ગયા હતા પણ ત્યાં વેક્સીનેશન બંધ થઈ ગયું હતું એટલે તેઓ ૧૨મો ડોઝ લઈ શક્યા ન હતા.

રિપોર્ટ મુજબ, બ્રહ્મ દેવ મંડળ પોસ્ટ વિભાગના નિવૃત સરકારી કર્મચારી છે અને જે રીતે તેમણે છેલ્લા ૧ વર્ષમાં ૧૧ વખત કોરોના વાયરસની વેક્સીન લીધી છે એનાથી સ્વાસ્થ્ય વિભાગની બેદરકારી પણ સામે આવી છે.

(12:00 am IST)