Gujarati News

Gujarati News

News of Sunday, 10th January 2021

ખેડૂત આંદોલનથી ધ્યાન ભટકાવવા ભારતે અમારી વીજળી ગુલ કરી : પાકિસ્તાનના ગૃહમંત્રીનું નિવેદન

અચાનક અંધારપટ્ટ થતા વિરોધમાં અંધ થઈ ચૂકેલા પાકિસ્તાને ભારતને જવાબદાર ગણાવ્યું

કરાંચી: પાકિસ્તાનના વિવાદાસ્પદ ગૃહમંત્રી શેખ રાશિદ અહમદે એક વખત ફરીથી હાસ્યાસ્પદ નિવેદન કર્યું છે. ભારત વિરોધમાં અંધ થઈ ચૂકેલા પાકિસ્તાની નેતા  નાનામાં નાની સ્થાનિક સમસ્યાથી લઈને મોટી સમસ્યાઓ માટે ભારતને જ જવાબદાર ઠેરાવે છે, ત્યારે હવે ફરીથી એક આવું જ હાસ્યાસ્પદ નિવેદન સામે આવ્યું છે.

 વાસ્તવમાં શનિવારે રાત્રે અચાનક પાકિસ્તાનમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો. પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રિકવન્સીમાં અચાનક ઘટાડો થતાં સમગ્ર દેશમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. હવે દરેક બાબત માટે ભારતને જવાબદાર ઠેરવનારા પાકિસ્તાની નેતાઓએ પોતાની જૂની આદત મૂજબ આ માટે પણ ભારતને જ દોષી ઠેરવી દીધુ. પાકિસ્તાનના મંત્રી શેખ રશીદ અહમદે કહ્યું કે પાકિસ્તાનમાં વીજળી ગુલ થવા પાછળ ભારતનો હાથ છે.

રશીદનું  કહેવું છે કે, ભારતે જાણી જોઈને પાકિસ્તાની વીજળી કાપી નાંખી છે. જેથી નવી દિલ્હીમાં અનેક દિવસોથી ચાલી રહેલા ખેડૂત આંદોલનથી વિશ્વનું ધ્યાન ભટકાઈ જાય.

શનિવારે પાકિસ્તાનના કરાંચી, ઈસ્લામાબાદ, લાહોર, પેશાવર અને રાવલપિંડી સહિત અનેક મોટા શહેરોમાં અચાનક વીજળી ગુલ  થઈ જવાના કારણે અંધારપટ્ટ છવાઈ ગયો હતો. આ સંદર્ભે પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે ખુદ ટ્વીટ કરીને જાણકારી આપતા જણાવ્યું હતું કે, પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રિકવન્સીમાં અચાનક 50 થી 0 ઘટી જવાના કારણે સમગ્ર પાકિસ્તાનમાં બ્લેકઆઉટ થઈ ગયું.હતું 

(7:49 pm IST)