Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મંહત નૃત્યગોપાલ દાસને ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા ફાળવતી કેન્દ્ર સરકાર

મંદિરના નિર્માણ માટેના બનનારા ટ્રસ્ટમાં મહંત નૃત્ય ગોપાલદાસની મુખ્ય ભૂમિકા હોઈ શકે

નવી દિલ્હી : રામ મંદિર ટ્રસ્ટ બનતા પહેલા શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મંહત નૃત્યગોપાલ દાસને ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા પુરી પાડવામાં આવી છે. તેવામાં મનાઇ રહ્યું છે કે, તેમને રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે

   સુરક્ષા વધાર્યા બાદ, કુલ 28 જવાન ટ્રસ્ટના અધ્યક્ષની સુરક્ષા સંભાળશે. એવી સંભાવના છે કે રામ મંદિરના નિર્માણ માટે બાંધવામાં આવેલા ટ્રસ્ટમાં મહંત નૃત્ય ગોપાલદાસની મોટી ભૂમિકા હોઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

   વિશ્વ હિન્દુ પરિષદના મીડિયા પ્રભારી શરદ શર્માએ વધતી સુરક્ષા વિશે માહિતી આપી હતી  તેમણે એવી સંભાવના પણ વ્યક્ત કરી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જે મંદિર બનાવવામાં આવશે તે મંદિરના નિર્માણ માટે જે ટ્રસ્ટ બનાવવામાં આવશે તેમાં મહંત નૃત્ય ગોપાલદાસની મુખ્ય ભૂમિકા હોઈ શકે છે.

   રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ અને ન્યાસમાં સામેલ થવા માટે અયોધ્યાના ટોચના સંતો-ધર્માચાર્યોની લડાઇ સપાટી પર આવી ચુકી છે. મહંત નૃત્યગોપાલ દાસ બાદ નિર્મોહી અખાડાએ પણ ટ્રસ્ટમાં ન માત્ર સામેલ થવાની પરંતુ અધ્યક્ષ અથવા સચિવ પદની માંગણી કરતા ચર્ચા જાગી હતી.

(1:01 am IST)