Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વિદેશી રાજદ્વારીઓને કાશ્મીરી પંડિતોએ દેખાડ્યું 'ફ્રી કાશ્મીર ફ્રોમ ઇસ્લામિક આતંકવાદ'નું પોસ્ટર

રાજદ્વારીઓ જમ્મૂના ગજતી પ્રવાસી ટાઉનશિપ પહોંચ્યા: સિવિલ સોસાયટીના સભ્યો અને સ્થાનિક મીડિયા સાથે પણ મુલાકાત કરી

શ્રીનગરઃ વિશ્વના 15 દેશોના રાજદ્વારીઓ હાલમાં  જમ્મૂ-કાશ્મીરના પ્રવાસે છે પ્રવાસના બીજા દિવસે  રાજદ્વારીઓ જમ્મૂના ગજતી પ્રવાસી ટાઉનશિપ પહોંચ્યા હતા. જ્યારે રાજદ્વારીઓ ટાઉનશિપ જઈ રહ્યાં હતા, ત્યારે બે કાશ્મીરી પંડિતો ફ્રી કાશ્મીર ફ્રોમ ઇસ્લામિક આતંકવાદના પોસ્ટર સાથે જોવા મળ્યા હતા.

 આ પહેલા વિદેશી રાજદ્વારીઓનું પ્રતિનિધિમંડળ શ્રીનગર પહોંચ્યું હતું  જ્યાથી તેમણે સેનાના 15 કોર મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યા, ત્યાં તેમને સેનાના સર્વોચ્ચ કમાન્ડરો દ્વારા કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવી હતી. વિદેશી રાજદ્વારીઓના પ્રતિનિધિમંડળે સિવિલ સોસાયટીના સભ્યો અને સ્થાનિક મીડિયા સાથે પણ મુલાકાત કરી હતી.

ભારત સરકારે આ વિદેશી રાજદ્વારીઓને કાશ્મીરની ગ્રાઉન્ડ રિયાલિટીની માહિતી મેળવવા માટે મોકલવાની તૈયારી કરી છે. યૂરોપીય સંઘના રાજદ્વારીઓ આ વખતે પ્રતિનિધિમંડળમાં સામેલ થયા નથી.

 વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, યૂરોપીય સંઘના રાજદ્વારીઓએ આ વિદેશી પ્રતિનિધિમંડળનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ યૂરોપીય સંઘે વિદેશી પ્રતિનિધિમંડળને કાશ્મીર મોકલવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. 

(10:33 pm IST)