Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

જેએનયુના વિદ્યાર્થીઓને રાહત : HRD મંત્રાલયનો આગ્રહ યુજીસીએ સ્વીકાર્યો : UGC ભરશે વધેલી ફી

જેએનયુના કુલપતિ અને વિદ્યાર્થી સંઘના નેતાઓની સાથે બેઠકમાં લેવાયો નિર્ણંય

નવી દિલ્હીઃ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) સચિવ અમિત ખરેએ જેએનયૂના કુલપતિ અને વિદ્યાર્થી સંઘના નેતાઓની સાથે બે અલગ-અલગ બેઠક કરી હતી. આ બેઠકોમાં એવો નિર્ણંય લેવાયો હતો કે હાલ જેએનયૂમાં વધેલી ફી વસૂલ કરવામાં આવશે. વધેલી ફીની ચુકવણી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) કરશે

  આ અંગે  એમએચઆરડીના સચિવ અમિત ખરેએ જણાવ્યું કે, વધેલી ફી સિવાય વિદ્યાર્થીઓ પાસે હાલ હોસ્ટેલના ચાર્જ લેવામાં આવશે નહીં. ખરેએ રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના ચેરમેન ડો. ડી.પી. સિંહ સાથે પણ મુલાકાત કરી અને વધારાની ફી તથા હોસ્ટેલ ચાર્જનો ભાર યૂજીસીને વહન કરવાનો તેમને આગ્રહ કર્યો છે.
  મંત્રાલયના આ આગ્રહનો યૂજીસીએ સ્વીકાર કરી લીધો છે. મંત્રાલયના સચિવે કહ્યું કે, તેમણે શુક્રવારે અહીં મંત્રાલયમાં આવેલી જેએનયૂ છાત્રસંઘની અધ્યક્ષ આઇશી ઘોષ અને અન્ય છાત્રોને આ જાણકારી આપી છે. ખરેએ વિદ્યાર્થીઓને હડતાળ સમેટી પોતાના ક્લાસમાં પરત ફરવાનો આગ્રહ કર્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે જેએનયૂના કુલપતિ એમ. જગદીશ કુમાર, જેએનયૂના રજીસ્ટ્રાર અને રેક્ટર ખરેને મળવા શુક્રવારે સવારે 11.30 કલાકે એમએચઆરડી પહોંચ્યા હતા. જેએનયૂ પ્રશાસને મંત્રાલયને જણાવ્યું કે, તેના તરફથી વિશ્વ વિદ્યાલયમાં સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ વિદ્યાર્થીઓ ફી વધારો પાછો ખેંચવાની માગ પર અડગ છે. 

(10:20 pm IST)