Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સુપ્રિમ કોર્ટનો મોદી સરકારને આદેશ

કાશ્મીર ઉપરનાં પ્રતિબંધોની ૧ સપ્તાહમાં સમીક્ષા કરો

ઇન્ટરનેટ પર પ્રતિબંધ- લાંબા સમયથી કલમ ૧૪૪ લાગુ કરવાને લઇને કોર્ટ નારાજઃ ઇન્ટરનેટ ચાલુ કરોઃ અભિવ્યકિતના અધિકારનો હિસ્સો છે

નવી દિલ્હી,તા.૧૦: જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા બાદ ઈન્ટરનેટ બેન અને લોક ડાઉન વિરુદ્ઘ દાખલ કરવામાં અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. જસ્ટિસ એન. વી. રમણા, જસ્ટિસ સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બી. આર. ગવઈની સંયુકત બેન્ચે આ મામલામાં નિર્ણય આપ્યો છે. જસ્ટિસ રમણાએ નિર્ણય વાંચતા કાશ્મીરની સુંદરતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરે દ્યણી હિંસાઓ જોઈ છે. ઈન્ટરનેટ ફ્રીડમ ઓફ સ્પીચ અંતર્ગત આવે છે. તે ફ્રીડમ ઓફ સ્પીચનું માધ્યમ પણ છે. ઈન્ટરનેટ આર્ટિકલ-૧૯ અંતર્ગત આવે છે. નાગરિકોના અધિકાર અને સુરક્ષાના સંતુલનના પ્રયત્નો ચાલુ છે. ઈન્ટરનેટ બંધ કરવું ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં તમામ પાબંદીઓ અંગે એક અઠવાડિયાની અંદર સમીક્ષા કરવામાં આવે.

કોર્ટે પોતાનો નિર્ણય આપતા કહ્યું કે, ધારા ૧૪૪ લાગૂ કરવા એ પણ ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવે છે. સરકાર ૧૪૪ લગાવવાને લઈને પણ જાણકારી સાર્વજનિક કરે. સમીક્ષા બાદ જાણકારીને પબ્લિક ડોમેનમાં નાંખો, જેથી લોકો કોર્ટ જઈ શકે. સરકાર ઈન્ટરનેટ તેમજ અન્ય પાબંદીઓ દ્વારા છૂટ ના મેળવી શકે. કેન્દ્ર સરકાર ઈન્ટરનેટ બેન પર ફરી એકવાર સમીક્ષા કરે. ઈન્ટરનેટ બેનની સમય-સમય પર સમીક્ષા થવી જોઈએ. પાબંદીઓ, ઈન્ટરનેટ અને પાયાની સ્વતંત્રતાનું નિલંબન શકિતની એક મનમાની એકસરસાઈઝ ના બની શકે.

કોર્ટે પોતાના નિર્ણયમાં તમામ ઈન્ટરનેટ સેવાઓને ફરી શરૂ કરવાનો નિર્દેશ અને તમામ સરકારી તેમજ સ્થાનિક એકમોની વેબસાઈટને શરૂ કરવાનો આદેશ આપ્યો છે, કે જયાં ઈન્ટરનેટનો દુરુપયોગ ન્યૂનતમ છે. કોર્ટે કહ્યું કે, ઈન્ટરનેટ પર અનિશ્યિતકાળ માટે પ્રતિબંધ ના લગાવી શકાય. જયાં જરૂર હોય ત્યાં તરત જ ઈન્ટરનેટ પાબંદી હટાવી લો. કોર્ટે કહ્યું હતું કે, વ્યાપાર સંપૂર્ણરીતે ઈન્ટરનેટ પર નિર્ભર છે અને તે સંવિધાનના આર્ટિક૧૯ અંતર્ગત આવે છે. કોર્ટે કહ્યું કે, મેજિસ્ટ્રેટે ધારા ૧૪૪ અંતર્ગત પ્રતિબંધોનો આદેશ આપતી વખતે નાગરિકોની સ્વતંત્રતા અને સુરક્ષા સામે જોખમ જોતા વિવેકનો ઉપયોગ કરવો જોઈએ. વારંવાર એક જ પ્રકારના આદેશ આપવા તે ઉલ્લંદ્યન છે.

(3:38 pm IST)