Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગુજરાતમાં જંત્રીના દરોમાં ફેરફારોની જરૂરઃ છેલ્લે ૨૦૧૧માં રીવાઈઝ્ડ થયા'તા

ગુજરાત સ્ટેટ લો કમિશન અને સીએજીએ જંત્રીના દરો માર્કેટ પ્રાઈઝની એટ પાર રાખવા ભલામણ કરી છે કે જેથી બીનહિસાબી નાણા-ભ્રષ્ટાચાર ઉપર લગામ આવી શકે છતાં રાજ્ય સરકાર હજુ સળવળતી નથીઃ જંત્રીના દરો અને બજાર ભાવ વચ્ચે જંગી ગેપ હોવાને કારણે રાજ્ય સરકાર રૂ. ૨૨૦૦૦ કરોડની આવક ગુમાવે છેઃ સરકાર કહે છે...બધુ વિચારણા હેઠળ છેઃ મંદી હોવાથી નિર્ણય લઈ શકાતો નથી

નવી દિલ્હી, તા. ૧૦ :. રીયલ્ટી ક્ષેત્રમાં બીનહિસાબી નાણાના વધતા પ્રભાવને રોકવા માટે ગત ૨૭ નવેમ્બરના રોજ ગુજરાત સ્ટેટ લો કમિશને રાજ્ય સરકારને જંત્રીના દરોને રીવાઈઝડ કરવા ભલામણ કરી હતી. સીએજીએ પણ ૨૦૧૭માં સરકારને જંત્રીના દરોમાં ફેરફાર કરવા જણાવ્યુ હતું. આમ છતા રાજ્ય સરકાર આ ભલામણો પર અમલ કરતી નથી. રીયલ્ટી એસ્ટેટનું ક્ષેત્ર એક એવુ ક્ષેત્ર છે જ્યાં બીનહિસાબી નાણાનો વ્યવહાર થવાનો દર સૌથી ઉંચો છે.

ગુજરાત જંત્રીના દરોના રીવીઝનની વાત આવતી હોય ત્યારે ધીમી ચાલતુ હોય છે. દર વર્ષે જંત્રીના દરોમાં ફેરફાર કરવાની વાતો થાય છે પરંતુ બધુ કાગળ પર જ રહે છે અમલ થતો નથી. છેલ્લે ૨૦૧૧માં જંત્રીના દરોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ૨૦૦૭માં ૯ વર્ષના ગાળા બાદ તેમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

સીએજીના રીપોર્ટ અનુસાર જમીન અને મકાનના વેચાણ દરમિયાન જંત્રીના દરો અને બજાર ભાવો વચ્ચે મોટો તફાવત રહેતો હોવાથી ગુજરાત સરકાર રૂ. ૨૨૦૦૦ કરોડની આવક ગુમાવી રહ્યુ છે.

મળતા અહેવાલો મુજબ સૂત્રો કહે છે કે, ઘણા વર્ષોથી જંત્રીના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જે કમનસીબી ગણી શકાય. જે જમીન પર સ્કવેર યાર્ડ રૂ. ૧૦૦માં પ્રાપ્ત થતી હતી તે રૂ. ૫૦૦ના સ્કવેર યાર્ડ કરતા ઓછા ભાવે મળતી નથી.

મકાનોના ભાવોમાં વિસંગતતા હોવાને કારણે કોઈપણ જમીન-મકાનના સોદામાં ૪૦ ટકા રકમ કાળા નાણા તરીકે અપાતી હોય છે કારણ કે જંત્રીના માર્કેટ ભાવમાં અસંગતતા રહેલી હોય છે. અત્રે એ નોંધનીય છે કે ગુજરાતનું પાડોશી મહારાષ્ટ્ર દર વર્ષે જંત્રીના દરોમાં ફેરફાર કરતુ હોય છે.

મહેસુલ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ શહેરી વિસ્તારોમાં જંત્રી અને બજાર ભાવ વચ્ચેની તફાવતતા ૭૫ ટકા છે અને ગ્રામ્ય વિસ્તારમાં તે ૫૦ ટકા છે. આનો અર્થ એ થયો કે દરેક ડીલ વખતે રાજ્ય સરકાર સ્ટેમ્પ ડયુટી ગુમાવતી હોય છે.

આ અંગે રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના કહેવા મુજબ જંત્રીના દરોમાં ફેરફાર કરવા માટે વિવિધ પ્રતિનિધિ મંડળોએ રજુઆતો કરી છે જેના ઉપર વિચારણા થઈ રહી છે. અમે નિષ્ણાંતો પાસેથી પણ અભિપ્રાયો માંગ્યા છે. અમે કોઈ નિર્ણય લીધો નથી કારણ કે હાલ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે મંદી ચાલી રહી છે.

આ અંગે ક્રેડાઈના ગુજરાત ચેપ્ટરના વાઈસ પ્રેસિડેન્ટ તેજશ જોશી કહે છે કે ગુજરાત સરકારે સર્વે હાથ ધર્યો છે અને બન્ને દર એટ પાર રાખવા પ્રયાસો હાથ ધર્યા છે. આ જ સમયે રાજ્ય સરકારે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટસ, નોનએગ્રી પ્રિમીયમ અને ફલોર ઈન્ડેક્ષના ચાર્જમાં રાહત આપવી જોઈએ.

ગુજરાત સ્ટેટ લો કમિશનનો રીપોર્ટ જણાવે છે કે જ્યારે બજાર ભાવ કરતા જંત્રીના દરો નીચા દરે હોય તો જમીન કે પ્રોપર્ટી ખરીદનારે બીનહિસાબી રકમ આપતી પડતી હોય છે. ઈચ્છે કે ન ઈચ્છે જમીનના માલિકે આ રકમ સ્વીકારવી પડતી હોય છે કારણ કે તેને ઈન્કમટેક્ષ, સ્ટેમ્પ ડયુટી વગેરેના જંગી લાભ મળતા હોય છે. બીનહિસાબી નાણા વધવા પાછળનંુ કારણ આ જ છે. જંત્રીના દરો સમય સમય પર બદલાવા જોઈએ. જો યોગ્ય પગલા લેવાય તો ભ્રષ્ટાચાર અને બીનહિસાબી નાણા પર નિયંત્રણ આવી શકે કારણ કે એવા અનેક દાખલાઓ છે જ્યાં કૃષિભૂમિ બજાર ભાવના ૧૦ ટકાએ વેચવામાં આવી હોય.

(10:55 am IST)