Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

૩૦ વર્ષોમાં પહેલીવાર ૫૦ ટકા કેસોમાં સાબિત થયો ગુન્હો

હવે તસ્વીર બદલાય રહી છેઃ ૧૯૮૮ બાદ ૫૦ ટકા કેસોમાં ગુન્હો સાબિત થયોઃ હત્યા અને રેપના મામલાઓ ઘટયાઃ ચોરીઓ વધીઃ રેપના મામલામાં હજુ પણ આરોપ સાબિત થવાનો દર ઘણો જૂનોઃ પ.બંગાળમાં સૌથી વધુ નોંધાયો મહિલાઓને માર મારવાના બનાવો

નવી દિલ્હી, તા. ૧૦ :. ભારતની ન્યાય વ્યવસ્થામાં કેસ નોંધાય ત્યારથી લઈને આરોપ સાબિત થવા સુધીની સફર ઘણી લાંબી રહેતી હોય છે. મોટા ભાગના મામલાઓ અદાલતમાં સાબિત નથી થતા પરંતુ હવે તસ્વીર બદલી હોય તેવુ જણાય છે. છેલ્લા ૩ દાયકામાં એવુ પહેલીવાર બન્યુ છે કે જ્યારે આઈપીસી હેઠળ નોંધાયેલ ૫૦ ટકા કેસોમાં આરોપી દોષિત સાબિત થયા છે. આ પહેલા ૧૯૮૮માં આવુ થયુ હતું, જ્યારે ૫૦ ટકા અપરાધીઓ વિરૂદ્ધ આરોપ સાબિત થયા હતા.

તે પછી આ દર ઘટતો ગયો હતો અને ૧૯૯૮માં માત્ર ૩૭.૪ ટકા મામલામાં જ આરોપ સાબિત થઈ શકયા હતા જો કે તે પછી આમા કેટલોક વધારો થયો અને સતત અનેક વર્ષો સુધી આ દર ૪૦ થી ૪૨ ટકા નજીક રહ્યો હતો. જો કે ૨૦૧૬માં તે વધીને ૪૬.૮ ટકા અને ૨૦૧૭માં ૪૮.૮ ટકા રહ્યો હતો.

આરોપ સાબિત થવાની સંખ્યા વધવા છતા પણ રેપ, હત્યા, હત્યાનો પ્રયાસ, રેપનો પ્રયાસ અને દલિતોના શોષણ જેવા ગંભીર મામલાઓમાં આ આંકડો હજુ પણ ઓછો છે. ૨૦૧૮માં રેપના માત્ર ૨૭ ટકા કેસમાં જ આરોપ સાબિત થયા હતા. મર્ડરના મામલાઓમાં પણ સ્થિતિ બહુ સારી નથી રહી. ૧૯૮૮માં ૪૩ ટકા હત્યાના કેસમાં આરોપ સાબિત થયા જ્યારે ૨૦૧૮માં ૧૮.૪ ટકાના કેસ જ આવા રહ્યા હતા.

એટલુ જ નહિ રેપના મામલામાં પણ આરોપીઓ દોષિત થાય તેવા મામલાઓની સરેરાશ ઘણી નીચે રહી છે. ૧૯૮૮માં ૩૬.૫ ટકા જ કેસમાં દોષ સાબિત થયો હતો. જ્યારે ૨૦૧૮માં આ આંકડો ૨૭.૨ ટકા પર હતો. જો કે આને રેપના મામલાની નોંધાયેલી સંખ્યામાં વધારા તરીકે પણ જોવામાં આવે છે. ૩૦ વર્ષ પહેલાના મુકાબલે હવે રેપના કેસો વધુ સંખ્યામાં પોલીસ પાસે આવી રહ્યા છે.

જો ૨૦૧૭ની સરખામણી કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮માં દેશમાં અપરાધોનો દર ઓછો રહ્યો હતો. ૨૦૧૭માં પ્રતિ લાખની વસ્તી પર ૨૩૭.૭ કેસ સામે આવ્યા હતા જ્યારે ૨૦૧૮માં આ આંકડો ૨૩૬.૭ રહ્યો હતો. ૨૦૧૮માં મર્ડર, રેપ, દહેજમાં હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગુન્હાઓ ઘટયા છે. જો કે યૌન શોષણ અને ચોરીના કેસમા વધારો થયો છે.

બે વર્ષમાં દેશદ્રોહના કેસ બમણા થયાઃ સૌથી  વધી ઝારખંડમાં: જમ્મુ-કાશ્મીરમાં પણ કેસ વધ્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર દેશભરમાં નોંધાયેલા દેશદ્રોહના મામલાની સંખ્યા ૨૦૧૬માં ૩૫ હતી તે વધીને ૨૦૧૮માં ૭૦ની થઈ છેઃ ઝારખંડ આ મામલાઓમાં ટોચ પર છેઃ ડેટા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં દેશદ્રોહના કેસ ઝડપથી વધી રહ્યા છે, ૨૦૧૭માં ત્યાં ૧ની સંખ્યા હતી, ૨૦૧૮માં વધીને ૧૨ની થઈ છેઃ ઝારખંડમાં દેશદ્રોહના ૧૮ કેસ નોંધાયા છે પરંતુ આસામમાં સૌથી વધુ ધરપકડ થઈ છેઃ આસામમાં ૧૭ કેસમાં ૨૭ વ્યકિતઓની ધરપકડ થઈ છે તો કેરળમાં ૯ અને મણીપુરમાં ૪ કેસ નોંધાયા છેઃ ૨૦૧૭માં દેશદ્રોહના ૫૧ કેસ નોંધાયા હતા

(10:55 am IST)