Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

'અબ કી બાર ફિર મોદી સરકાર'...કાલથી દિલ્હીમાં ભાજપનું અધિવેશન

રામલીલા મેદાનમાં બે દિવસનું અધિવેશનઃ 'મિશન-૨૦૧૯' માટે પક્ષ 'લાઈન ઓફ એકશન' નક્કી કરશેઃ ૧૦,૦૦૦થી વધુ નેતાઓ-કાર્યકરો ભાગ લેશેઃ ઘડાશે પ્રચાર-ચૂંટણીની રણનીતિઃ મોદી-શાહ સહિત દિગ્ગજ નેતાઓ ભાગ લેશે

રાજકોટ, તા. ૧૦ :. ભાજપા મિશન ૨૦૧૯ના શ્રીગણેશ ૧૧-૧૨ જાન્યુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં થનાર અધિવેશનથી કરશે, જ્યાં દેશભરના ભાજપા નેતાઓ અને કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતનો મંત્ર આપશે. આ અત્યાર સુધીનું સૌથી મોટું રાષ્ટ્રીય અધિવેશન હશે. જેમાં દેશભરમાં લગભગ ૧૨ હજાર મુખ્ય કાર્યકરો એકઠા થશે. અધિવેશનના સમાપન ભાષણના વડાપ્રધાન મોદી મિશન ૨૦૧૯ માટે પક્ષનો મુખ્ય ચૂંટણીનારો આપશે. આ બાબતે પૂછતા ભાજપા મીડીયા વિભાગના પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય અનિલ બબૂનીએ જણાવ્યું કે અહીં દેશભરના કાર્યકર્તાઓનો મહાસંગમ થશે જ્યાંથી અમે વિજય અભિયાનની શરૂઆત કરશું. તેમણે કહ્યું કે આ બેઠકમાં દરેક રાજ્યમાં પક્ષના કાર્યકરો આવશે.

આ કાર્યક્રમના આયોજનથી માંડીને બધી જવાબદારીઓ દિલ્હી ભાજપા અને પક્ષના રાષ્ટ્રીય નેતા મળીને ૩૦ વ્યકિતને સોંપાઈ છે, એટલે કે કોઈ નેતાને મંડપની તો કોઈને ૧૨૦૦૦ વ્યકિતની ભોજન વ્યવસ્થા સોંપવામાં આવી છે. જ્યારે દિલ્હી ભાજપાના નેતાઓને આવેલા લોકોના રહેઠાણની વ્યવસ્થા સોંપવામાં આવી છે.

દિલ્હી પોલીસથી માંડીને અર્ધલશ્કરી દળો અને ડ્રોન દ્વારા રામલીલા મેદાનની સુરક્ષા રાખવામાં આવી રહી છે. વડાપ્રધાનના આવવાનો કાર્યક્રમ હોવાથી ૨ દિવસ પહેલા જ એસપીજીના જવાનો ગોઠવાઈ ગયા છે. સેંકડો સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. આ ઉપરાંત કેટલાય મોટા સ્ક્રીન મુકવામાં આવશે જેથી સ્ટેજથી દૂર બેઠેલા કાર્યકરો પણ બરાબર જોઈ શકે.

રાષ્ટ્રીય અધિવેશન માટેનો મંડપ વોટરપ્રુફ છે. આખો મંડપ સંપૂર્ણપણે વાઈફાઈ હશે. મંડપમાં જગ્યાએ જગ્યાએ વાઈફાઈ રાઉટર લગાડવામાં આવશે. જેથી કાર્યકર્તાઓને ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. એટલું જ નહી, ભાજપા શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો માટે અલગ લોંજ બનાવવામાં આવશે. વડાપ્રધાન આ અધિવેશનમાં હાજર રહેવાના હોવાથી મંચના પાછળના ભાગમાં તેમની ઓફિસ પણ બનાવવામાં આવશે. વડાપ્રધાનની ઓફિસમાં જે સગવડો હોય તે બધી સગવડો આ કામચલાઉ ઓફિસમાં રાખવામાં આવશે. એવી જ રીતે પક્ષ પ્રમુખ અમિત શાહ માટે પણ એક કામચલાઉ ઓફિસ અહીં બનાવાશે.

લોકસભા ચૂંટણીની તૈયારીઓ આગળ ધપાવતા ભાજપા પોતાના જુદા જુદા મોરચાઓના અધિવેશન પણ આયોજીત કરશે. આ સંદર્ભમાં ભાજપા દ્વારા યુવા મોરચા અને મહિલા મોરચાનું અધિવેશન થઈ ગયુ છે. ભાજપા અનુસૂચિત જનજાતિ મોરચાની બેઠક ૨ અને ૩ ફેબ્રુઆરીએ ભુવનેશ્વરમાં થશે. જ્યારે ઓબીસી મોરચાની બેઠક ૧૫ અને ૧૬ ફેબ્રુઆરીએ પટણામાં થવાની છે. પક્ષના અનુસૂચિત જાતિ મોરચાની બેઠક ૧૯ અને ૨૦ જાન્યુઆરીએ નાગપુરમાં થશે. જેમા અમિત શાહ ભાગ લેવાના છે. ૨૧ અને ૨૨ ફેબ્રુઆરીએ ભાજપા કિસાન મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન ઉત્તર પ્રદેશમાં થશે જેને વડાપ્રધાન મોદી પણ સંબોધિત કરશે. જ્યારે ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીના રોજ ભાજપા લઘુમતિ મોરચાનું અધિવેશન દિલ્હીમાં આયોજીત થશે.(૨-૩)

(11:20 am IST)