Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

શિખ વિરોધી રમખાણ : ૧૮૬ કેસમાં ફરીથી તપાસનો આદેશ

શિખ વિરોધી રમખાણ પીડિતોને આંશિક રાહત : તપાસ માટે એક કમિટિની રચના કરવાનો આદેશ કરાયો હાઈકસોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં ટીમ તપાસ કરશે

નવીદિલ્હી,તા. ૧૦ : વર્ષ ૧૯૮૪માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશભરમાં ફેલાયેલા શિખ વિરોધી રમખાણોના પીડિતો માટે સારા સમાચાર છે. કારણ કે સુપ્રીમ કોર્ટે રમખાણ સાથે જોડાયેલા ૧૮૬ કેસોને ફરીથી તપાસ માટે મંજુરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે તપાસ કરવા માટે એક કમિટિની રચના કરવાના આદેશ પણ જારી કરી દીધા છે. પહેલા એસઆઈટી દ્વારા આ કેસોને બંધ કરી દેવામાં આવ્યા હતા. ૧૯૮૪ રમખાણોમાં આ ૧૮૬ કેસોને એસઆઈટીની ટીમે પોતાની તપાસ બાદ બંધ કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટમાં એસઆઈટીના મામલાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. એસઆઈટીના નિર્ણયને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજી પર વ્યાપક વિચારણા કર્યા પછી સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે ૧૮૬ શિખ વિરોધી રમખાણ કેસોને નવી સીટને મોકલવાનો આદેશ કર્યો છે. આ મામલામાં નવી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. આ કેસો જે કેન્દ્ર દ્વારા નિમવામાં આવેલી સીટ દ્વારા તપાસ કરવામાં આવી નથી. હાઈકોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં નવી સીટ દ્વારા તપાસ કરવામાં આવશે. નિવૃત્ત હાઈકોર્ટના જજ ઉપરાંત નવી સીટમાં સેવા બજાવતા પોલીસ ઓફિસર અને નિવૃત્ત ડીઆઈજી સ્તરના પોલીસ અધિકારીઓ સામેલ છે. ૧૯૮૪ના શિખ વિરોધી રમખાણ કેસમાં શિખ તપાસના સંદર્ભમાં બે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજ તરફથી રિપોર્ટ મેળવી લીધા બાદ સુપ્રીમે આ મુજબનો આદેશ કર્યો છે. કેસ ૨૦૧૪માં જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી ત્યારે ૨૯૩ શિખ વિરોધી રમખાણ કેસો તેની પાસે હતા. તે વખતે સીટ દ્વારા વધુ તપાસના સંદર્ભમાં તપાસ હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે, બે શિખ બોડીગાર્ડ દ્વારા તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ૧૯૮૪માં શિખ વિરોધી રમખાણો ફાટી નિકળ્યા હતા. આ રમખાણોમાં ૩૦૦૦થી પણ વધુ લોકોના મોત થયા હતા. દેશના જુદા જુદા ભાગોમાં અને ખાસ કરીને દિલ્હી અને પંજાબમાં વ્યાપક હિંસા થઇ હતી. કેસ બંધ કરવાના નિર્ણય પર શંકા વ્યક્ત કરીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આમાથી ૧૯૯ મામલાને બંધ કરવા માટે કારણ દર્શાવવા માટે કહ્યું હતું. સુપ્રીમે અહેવાલ પણ માંગ્યો હતો. રેકોર્ડમાં તપાસ કરવામાં આવ્યા બાદ ૨૩૯ કેસ એસઆઈટીએ બંધ કર્યા હતા જેમાં ૧૯૯ કેસ સીધીરીતે બંધ કરાયા હતા. શિખ વિરોધી રમખાણમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. દેશભરમાં લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ હતી. ઉંડી તપાસ પણ કરવામાં આવી હતી.

(7:57 pm IST)