Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

આફતાબને ફાંસી થવી જોઈએ : વિકાસ વાલકરે

શ્રદ્ધા વાલકરેના પિતાએ મીડિયા સાથે વાત કરી : દિલ્હીના રાજ્યપાલ, પોલીસના અધિકારીઓ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી ફડણવીસે ન્યાય માટે આશ્વાસન આપ્યું

નવી દિલ્હી, તા.૯ : શ્રદ્ધા વોકર મર્ડર કેસમાં આજે શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે,  આફતાબે મારી પુત્રીની નિર્દયતાથી હત્યા કરી છે. આફતાબને સખતમાં સખત સજા થવી જોઈએ અને તેના પરિવારના સભ્યોની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. એણે  મારી દીકરી સાથે જે તેમ તેને પણ સજા થવી જોઈએ. હું ઈચ્છું છું કે તેને ફાંસી આપવામાં આવે. જેથી મારી દીકરી સાથે જે થયું તે બીજા કોઈની સાથે ન થાય. શ્રદ્ધાના પિતાએ વધુમાં કહ્યું કે દિલ્હીના રાજ્યપાલ, દિલ્હી પોલીસના અધિકારીઓ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી ફડણવીસે મને આશ્વાસન આપ્યું છે કે અમને ન્યાય મળશે. તેમણે કહ્યું કે તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે. મને ન્યાય માટે પૂરો વિશ્વાસ છે.  ન્યાય મેળવવામાં મારે તમારા બધાના સહયોગની જરૃર છે.

૧૮ વર્ષ પછી વ્યક્તિને સ્વતંત્રતા અધિકાર આપવામાં આવે છે તેના પર થોડો વિચાર કરવો જોઈએ

તેમણે વસઈ પોલીસની કાર્યવાહી પર સવાલો કરતા કહ્યું કે, મારી દીકરીની બેરહેમીપુર્વક હત્યા કરવામાં આવી છે, અને વસઈ પોલીસના કારણે મારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ખરેખર જો તેઓએ મદદ કરી હોત તો મારી દીકરી જીવતી હોત. મારી પુત્રીના મોતથી હું ખૂબ જ દુઃખી થયો છું.  આ સાથે ૧૮ વર્ષ પછી કોઈ વ્યક્તિને સ્વતંત્રતા અધિકાર આપવામાં આવે છે તેના પર થોડો વિચાર કરવો જોઈએ. જેના કારણે મારે ઘણું સહન કરવુ પડ્યું છે. જ્યારે મારી દીકરી મને છોડીને જતી હતી ત્યારે તેણે મને કહ્યું હતું કે હું પુખ્ત છું. ત્યારે હું તેની સામે લાચાર હતો, હું કશુ જ ન કરી શક્યો. હું ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ પોલીસને મળવા ગયો પરંતુ મારી ફરિયાદ ૩જી ઓક્ટોબરે નોંધી. વધુમાં કહ્યું કે, હું જાણવા માંગુ છું કે શ્રદ્ધા પર એવું શું દબાણ હતું કે તેણે પોતાની વાત

મારી સાથે શેર ન કરી. મેં તેની સાથે વાત કરવા ઘણીવાર પ્રયત્ન કર્યો પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નહીં.  હું ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ પોલીસને મળવા ગયો પરંતુ મારી ફરિયાદ ૩જી ઓક્ટોબરે નોંધવામાં આવી હતી. ઘણી વાર હું શ્રદ્ધાના મિત્રો સાથે વાત કરતો પણ કોઈ જવાબ ન મળતો. આફતાબની માતા તરફથી પણ કોઈ જવાબ ન મળ્યો. શ્રદ્ધાના મિત્રોએ મને ક્યારેય ન કહ્યું કે તેની સાથે શું થયું છે. મને કંઈ જ ખબર નહોતી.  શ્રદ્ધાએ ૨૦૧૯ માં જ્યારે પોલીસમાં ફરિયાદ કરી ત્યારે મને કોઈ જાણકારી નહોતી અને પોલીસે પણ મને કોઈ માહિતી નથી આપી.

તેઓએ કહ્યું કે શ્રદ્ધા સાથે છેલ્લે ૨૦૨૧ના મધ્યમાં વાત થઈ હતી.ત્યારે મેં તેને પૂછ્યું કે તુ કેમ છે. તો તેણે કહ્યું કે હું ઠીક છું. અને હાલ હું બેંગ્લોરમાં રહું છું. તમે બધા કેમ છો? મારો ભાઈ કેમ છે. બસ આટલી વાત થઈ હતી. એ પછી ૨૬ સપ્ટેમ્બરે મેં એકવાર આફતાબ સાથે વાત કરી અને પૂછ્યું કે મારી દીકરી ક્યાં છે. તો તેણે કહ્યું કે, મને ખબર નથી એ ક્યા છે. મેં કહ્યું કે તે ૩ વર્ષથી તમારી સાથે રહે છે તો શું તમારી જવાબદારી ન હતી ? પણ આ અંગે આફતાબે કોઈ જવાબ ન આપ્યો.  શ્રદ્ધાના પિતાને પુછ્યું કે, શું તમે આ સંબંધની વિરુદ્ધ હતા ? આ સવાલ પર પિતાએ હા પાડી. ઘરેથી નીકળતા પહેલા મેં શ્રદ્ધા સાથે વાતચીત કરી અને મેં તેને કહ્યું કે તે આપણા સમુદાયનો નથી. તેની સાથે ના રહીશ. પણ દીકરીએ કહ્યું કે મારે તેની જ સાથે રહેવું છે. આફતાબે મારી દીકરીને એવી રીતે તૈયાર કરી હતી કે તે ઘરમાં ન રહે. તેથી તે ઘર છોડીને નીકળી ગઈ. શ્રદ્ધાને બ્લેકમેલ કરવામાં આવતી હતી, તેથી તે ચૂપ રહી. તેણે પોતાની ફરિયાદમાં આ બ્લેકમેલિંગનો ઉલ્લેખ કર્યો છે. હું શરૃઆતથી તેની વિરુદ્ધ હતો. ત્યારે મને ખબર ન હતી કે આફતાબ કોણ છે. પિતાએ એ પણ સ્પષ્ટ કર્યું કે મારી પત્ની અને હું અલગ થયા નથી. આ બધું મારી બીમાર માતા માટે કરવામાં આવેલ એડજસ્ટમેન્ટ હતું.

(8:14 pm IST)