Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

કોંગ્રેસ ચૂંટણીમાં આબરૂ પણ ન બચાવી શકી : લોકસભાની ચૂંટણી કેવી રીતે લડશે : ટીએમસીએ નિશાન સાધ્‍યું

ગુજરાતમાં હાર બાદ કોંગ્રેસ સામે નવો પડકાર : હવે ભાજપ વિરોધી પક્ષોએ પણ ઘેરવાનું શરૂ કર્યું

નવી દિલ્‍હી તા. ૯ : કાલે ગુજરાત વિધાનસભા ચુંટણીનું પરિણામ આવ્‍યું હતું. જેમાં સૌથી ખરાબ હાર કોંગ્રેસની થઇ છે. જેના કારણે કોંગ્રેસ સામે નવો પડકાર આવ્‍યો છે. હવે ભાજપ વિરોધી પક્ષોએ પણ કોંગ્રેસને ઘેરવાનું શરૂ કરી દીધું છે.

ગઇકાલે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તૃણમૂલ કોંગ્રેસએ કોંગ્રેસ પર નિશાન સાધ્‍યું અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તેની ક્ષમતાઓ પર સવાલ ઉઠાવ્‍યા.

TMCનું કહેવું છે કે દેશમાં ભાજપ વિરૂદ્ધ પમિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જી એકમાત્ર ચહેરો છે. પાર્ટીના પ્રવક્‍તા કુણાલ ઘોષે કહ્યું કે ગુજરાત ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે પોતાની ટીકા કરવાની જરૂર છે. ગુજરાતમાં કોંગ્રેસ લડાઈમાં જ જોવા મળી નથી.

જયારે કોંગ્રેસ પાસે વડાપ્રધાન મોદીના ગૃહ રાજયમાં જીત મેળવીને પોતાને સાબિત કરવાની તક હતી. પરંતુ તે આમ કરવામાં નિષ્‍ફળ ગઈ. કોંગ્રેસ ચૂંટણીમાં ઈજ્જત પણ બચાવી શકી નથી.

ટીએમસીના પ્રવક્‍તાએ કહ્યું કે કોંગ્રેસ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા સક્ષમ નથી. તેમણે કહ્યું કે જે પાર્ટી ગુજરાતની લડાઈમાં હારી ગઈ છે, તે પાર્ટી લોકસભાની ચૂંટણી કેવી રીતે લડશે. દેશમાં ભાજપનો વિકલ્‍પ માત્ર TMC જ બની શકે છે અને ચૂંટણી પરિણામોએ ફરી એકવાર તેની સુસંગતતા સાબિત કરી છે.

તે જ સમયે, ટીએમસી સાંસદ સુખેન્‍દુ શેખર રોયે કહ્યું કે કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મજબૂત રણનીતિ બનાવવી જોઈતી હતી, પરંતુ તેઓએ તેમ કર્યું નહીં અને ભારત જોડો યાત્રામાં વ્‍યસ્‍ત રહ્યા. બીજી તરફ ટીએમસી સાંસદ શત્રુઘ્‍ન સિંહાએ ગુજરાતમાં ભારે જીત બદલ ભાજપને અભિનંદન પાઠવ્‍યા છે.ᅠ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ ૧૮૨ સીટોમાંથી ૧૫૬ સીટો જીતી છે, જયારે કોંગ્રેસ ૧૭ સીટો પર સમેટાઈ ગઈ છે. રાજયના ઈતિહાસમાં કોંગ્રેસ પાર્ટીનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે.

(4:14 pm IST)