Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગુજરાત - હિમાચલમાં પરાજય પામીને પણ ‘આપ'નો રેકોર્ડઃ બનશે રાષ્‍ટ્રીય પક્ષ

કેજરીવાલના બે દિવસમાં બે ધડાકા

નવી દિલ્‍હી, તા.૭: અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીએ રાષ્‍ટ્રીય રાજધાની દિલ્‍હીમાં મ્‍યુનિસિપલ ચૂંટણીમાં જોરદાર જીત નોંધાવ્‍યા બાદ બીજા દિવસે વધુ એક રેકોર્ડ બનાવ્‍યો છે. ભલે તેમનો પક્ષ હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરી શકયો ન હોય, પરંતુ તેમની પાર્ટીએ રાષ્‍ટ્રીય પક્ષનો દરજ્જો હાંસલ કર્યો છે. આ રીતે હવે દેશમાં રાષ્‍ટ્રીય પક્ષોની સંખ્‍યા વધીને નવ થઈ જશે.

આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં અત્‍યાર સુધીમાં લગભગ ૧૩ ટકા વોટ મેળવ્‍યા છે. આ સાથે AAP પ્રાદેશિક પક્ષની સાથે રાષ્‍ટ્રીય પક્ષ પણ બની ગયો છે. જો કે ચૂંટણી પંચ દ્વારા તેની જાહેરાત પછીથી કરવામાં આવશે.

 દેશમાં કેટલા રાષ્‍ટ્રીય પક્ષો ચૂંટણી પંચના જણાવ્‍યા અનુસાર, કોંગ્રેસ, ભાજપ, બસપા, તળણમૂલ કોંગ્રેસ, NCP, CPI, CPIM અને NPP પહેલેથી જ રાષ્‍ટ્રીય પક્ષો છે. NPPને ૨૦૧૯માં રાષ્‍ટ્રીય પક્ષનો દરજ્જો મળ્‍યો. AAP પહેલાથી જ દિલ્‍હી, પંજાબ અને ગોવામાં રાજ્‍ય સ્‍તરની પાર્ટી એટલે કે પ્રાદેશિક પાર્ટીનો દરજ્જો મેળવી ચૂકી છે. ગોવામાં ગત વિધાનસભા ચૂંટણીમાં AAPને ૬.૮ ટકા વોટ મળ્‍યા હતા.

રાષ્‍ટ્રીય પક્ષ માટેની પૂર્વજરૂરીયાતો રાષ્‍ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે પક્ષે અમુક શરતો પૂરી કરવી જરૂરી છે. ૧. જો કોઈ પક્ષને ચાર રાજ્‍યોમાં પ્રાદેશિક પક્ષનો દરજ્જો મળે તો તેને રાષ્‍ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે. ૨. જો કોઈ પક્ષ ત્રણ રાજ્‍યોને જોડીને લોકસભાની ત્રણ ટકા બેઠકો જીતે તો તેને રાષ્‍ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે. ૩. જો કોઈ પક્ષ સંસદીય અથવા વિધાનસભા ચૂંટણીમાં ચાર લોકસભા બેઠકો ઉપરાંત ચાર રાજ્‍યોમાં ૬% મત મેળવે છે, તો તેને રાષ્‍ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે. ૪. જો કોઈ પક્ષ ઉપરોક્‍ત ત્રણ શરતોમાંથી કોઈપણ એક પરિપૂર્ણ કરે છે, તો તે રાષ્‍ટ્રીય પક્ષ બને છે.

(12:00 am IST)