Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ડોલર સામે રૂપિયામાં વધુ ગગડ્યો : 16 મહિનાના નીચલા સ્તરે સરક્યો

ઈક્વિટી માર્કેટમાંથી વિદેશી મૂડીના સતત આઉટફ્લો અને તેલના ભાવમાં વધારાને કારણે ભારતીય રૂપિયા પર દબાણ વધ્યું

મુંબઈ :ડોલર સામે રૂપિયામાં ઘટાડો વધુ ઘેરો બન્યો છે. ગુરુવારે ડોલર સામે રૂપિયો 16 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. જ્યાં રૂપિયાની નબળાઈને કારણે આયાત  મોંઘી થશે ત્યાં નિકાસ કરતી કંપનીઓ અને ઉદ્યોગોને તેનો ફાયદો મળશે.

વિદેશમાં ડોલરની મજબૂતી અને શેરબજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોના ઉપાડ વચ્ચે આંતરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ગુરુવારે યુએસ ચલણ સામે રૂપિયો 10 પૈસા ઘટ્યો હતો અને 16 મહિનાની નીચી સપાટી 75.60 પ્રતિ ડોલર પર બંધ થયુ હતું. બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત અર્થતંત્ર પર કોરોના વાયરસના નવા વેરીઅન્ટની અસર અંગે વધતી જતી ચિંતાએ પણ રોકાણકારોની વ્યાપારી ધારણાઓને અસર કરી છે.

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 75.45 પર ખુલ્યો હતો. પરંતુ રૂપિયો ટૂંક સમયમાં જ તેનો પ્રારંભિક લાભ ગુમાવી બેઠો અને  75.60 રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગયો. કારોબારના અંતે રૂપિયો 10 પૈસા ઘટીને 75.60 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. આ પહેલા બુધવારે રૂપિયો 75.50 પ્રતિ ડૉલરની લગભગ બે મહિનાની નીચી સપાટીએ બંધ થયો હતો.

સિનિયર રિસર્ચ એનાલિસ્ટ શ્રીરામ અય્યરે જણાવ્યું હતું કે, “સ્થાનિક ઇક્વિટીમાંથી વિદેશી મૂડીનો સતત ઉપાડ અને તેલની કિંમતોમાં વધારાને કારણે ગુરુવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો.” આ દરમિયાન, ઓમિક્રોનની તેલની માગ પર નોંધપાત્ર અસર ન હોવાના અહેવાલોએ તેલના ભાવમાં વધારો કર્યો. આ દરમિયાન છ કરન્સીની તુલનામાં ડૉલરના વલણને દર્શાવનાર ડૉલર ઇન્ડેક્સ 0.20 ટકા વધીને 96.08 પર પહોંચ્યો હતો.

(11:52 pm IST)