Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

સીડીએસ તરીકે લશ્કરી વડા નરવણેનું નામ સૌથી આગળ

બિપિન રાવતના સ્થાને નવા સીડીએસને લઈને મથામણ : એમ નરવણે સેનાની ત્રણે પાંખના વડાઓમાં તેઓ સૌથી સિનિયર પણ છે, કેબિનેટમાં નામ પર ચર્ચા થઈ

નવી દિલ્હી, તા.૯ : ભારતના પહેલા ચીફ ઓફ ડિફન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશમાં થયેલા નિધન બાદ હવે તેમના ઉત્તરાધિકારી તરીકે કોની નિમણૂંક થશે તેના પર અટકળો શરુ થઈ છે.

પીએમ મોદીના નેતૃત્વમાં ગઈકાલે કેબિનેટ કમિટિ ઓફ સિક્યુરિટીની એક મહત્વની  બેઠક મળી હતી.જેમાં નવા સીડીએસના નામ પર ચર્ચા થઈ હતી.કારણકે ચીન સાથે ચાલી રહેલા ટકરાવ વચ્ચે આ મહત્વનુ પદ લાંબા સમય સુધી ખાલી રાખી શકાય તેમ નથી.

સત્તાવાર રીતે તો કોના નામની ચર્ચા થઈ તે સામે નથી આવ્યુ પણ એવુ મનાઈ રહ્યુ છે કે, જે વરિષ્ઠ અધિકારીઓના નામની ચર્ચા થઈ છે તેમાં આર્મી ચીફ એેમ એમ નરવણેનુ નામ સૌથી ઉપર છે.તેનુ એક કારણ એ છે કે, સેનાની ત્રણે પાંખના વડાઓમાં તેઓ સૌથી સિનિયર પણ છે.

નરવણે આગામી વર્ષે એપ્રિલ મહિનામાં નિવૃત્ત થવાના છે.સેનાના નિયમો પ્રમાણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર કોઈ પણ સૈન્ય અધિકારી ૬૫ વર્ષની વય સુધી જ સેવા આપી શકે તેમ છે.જ્યારે સેનાની ત્રણે પાંખના વડાઓનો કાર્યકાળ ૬૨ વર્ષ સુધીનો હોય છે. ચીન સાથે લદ્દાખ મોરચે ચાલી રહેલા ટકરાવ વચ્ચે જનરલ રાવત આ ક્ષેત્રમાં ભારતીય સેનાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા હતા.તેઓ સેનાની ત્રણે પાંખ વચ્ચે સંકલનની મહત્વની જવાબદારી પણ ભજવી રહ્યા હતા.આમ હવે આ સંકલન ચાલુ રહે તે માટે સરકાર ઈચ્છી રહી છે કે, વહેલી તકે નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની વરણી કરવામાં આવે.

(7:10 pm IST)