Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

જયારે જનરલ રાવતને આર્મી કેન્ટોન્મેન્ટના ગેટ પર ફરજ બજાવતા જવાને રોકી દીધેલ....

લેખિકા રચના બિષ્તેના એક પુસ્તકમાં જનરલ રાવતના વિનમ્ર સ્વભાવનો ઉલ્લેખ કરતો કિસ્સો

નવી દિલ્હી,તા.૯: ભારતે પોતાના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને એક હેલિકોપ્ટર ક્રેશમાં ગુમાવી દીધા છે.

જનરલ રાવતના નિધનથી કરોડો દેશવાસીઓ શોકાતુર છે.જનરલ રાવત એવા વ્યકિત હતા જે સેનામાં નાનામાં નાના જવાનથી માંડીને અધિકારીઓ સુધીના તમામને આદર આપતા હતા.સૈનિકોના જીવન પર પુસ્તકો લખનાર લેખિકા રચના બિષ્તે પોતાના એક પુસ્તકમાં જનરલ રાવતના વિનમ્ર સ્વભાવનો ઉલ્લેખ કરતો એક કિસ્સો પણ ટાંકયો છે.

જેમાં કહેવાયા પ્રમાણે જનરલ રાવત રાત્રે અગિયાર વાગ્યે સિવિલ ડ્રેસમાં પોતાના પત્ની સાથે આર્મીમાં જ ફરજ બજાવતા પોતાના મિત્રને મળવા માટે આર્મી કેન્ટોન્મેન્ટ પહોંચ્યા હતા.જયાં મુખ્ય ગેટ પર ફરજ બજાવતા આર્મી જવાને તેમની કારને રોકી હતી. જનરલ રાવતને આ જવાન ઓળખી શકયો નહતો અને તેમને કાર સાથે કેન્ટોન્મેન્ટમાં પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી.

જવાને કહ્યુ હતુ કે, તમે કાર બહાર પાર્ક કરી દો ...રાવતે પોતાની ઓળખ આર્મી ચીફ તરીકે આપી ત્યારે જવાને કહ્યુ હતુ કે, હું તમને ઓળખતો નથી, તમે તમારા જે મિત્રને મળવા આવ્યા છો તેમને બહાર બોલાવો.. રાવતે પોતાના મિત્રને ફોન કર્યો હતો અને આ ઓફિસર જનરલ રાવતને રિસિવ કરવા માટે ગેટ પર દોડી આવ્યા હતા.

તેમણે જવાનને કહ્યુ હતુ કે, તમે જનરલ રાવતને નથી ઓળખતા.. તમારી સામે જે વ્યકિત ઉભા છે તે ભારતીય સેનાના ચીફ છે. જોકે જનરલ રાવતે હસીને જવાનની પીઠ થાબડી હતી અને તેના વખાણ કરતા કહ્યુ હતુ કે, તમે તમારુ કામ કરી રહ્યા હતા અને આ જ તો તમારી સૌથી મોટી ડ્યુટી છે.બીજી દિવસે જનરલ રાવતે આર્મી હેડકવાર્ટરને પત્ર લખીને આ જવાનના વખાણ પણ કર્યા હતા.

(3:25 pm IST)