Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

નવો વેરીયન્ટ ડેલ્ટા જેટલો ઘાતક નથી

હાલમાં ઉપલબ્ધ રસીઓ ઓમીક્રોન સામે રક્ષણ આપવામાં સક્ષમ

ડબલ્યુએચઓ અને અમેરિકાના ટોચના વૈજ્ઞાનિકોનો દાવો

જીનીવા તા. ૯ : દુનિયાભરમાં કોરોનાના ઓમીક્રોન વેરીયેન્ટથી મચેલ હાહાકાર વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. ડબલ્યુ એચઓ અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વર્તમાન બધી રસીઓ ઓમીક્રોન સામે રક્ષણ આપવા માટે પણ સક્ષમ છે. ઓમીક્રોન અન્ય સ્વરૂપો વધારે ઘાતક નથી.

ડબલ્યુ એચઓના ડાયરેકટર માઇકલ રયાને જણાવ્યું કે, ઓમીક્રોન તેના પાછલા સ્વરૂપની સરખામણીમાં વધારે સંક્રામક છે. પણ પ્રારંભિક ડેટા એવા સંકેત નથી આપતા કે તે વધારે ઘાતક છે. આપણી પાસે વધારે અસરકારક રસીઓ છે જે ગંભીર બિમારી અને હોસ્પિટલમાં દાખલ થતાં રોકવામાં બધા વેરીયેન્ટો પર અસરકારક છે. દક્ષિણ આફ્રીકામાં ઓમીક્રોન પર થઇ રહેલા રિસર્ચના આધારે તેમણે આ દાવો કર્યો છે. અમેરિકાના એક મેડીકલ ઓફિસરે કહ્યું કે, પ્રાથમિક સંકેતો દર્શાવે છે કે ઓમીક્રોન ડેલ્ટાથી ઓછો ખતરનાક છે.

તો ફાયઝર - બાયોએન્ટેકનો દાવો છે કે તેની રસીનો ત્રીજો ડોઝ ઓમીક્રોન વેરીયેન્ટને બિનઅસરકારક બનાવવામાં કારગત થશે. આ પહેલા એક રિસર્ચમાં કહેવાયું હતું કે, ફાઇઝરની રસી ઓમીક્રોન સામે ઓછી કારગત છે. હવે કંપની ઓમીક્રોનને ધ્યાનમાં રાખીને રસી બનાવી રહી છે જે માર્ચ સુધીમાં આવી જશે.

(10:11 am IST)