Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

શોપિયાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ લશ્કર- એ-તૈયબાના 3 આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ અને CRPF સાથે મળીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

શ્રીનગર :દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે બુધવારે સવારે સુરક્ષા દળોને શોપિયાં જિલ્લાના ચેક ચોલા વિસ્તારમાં આતંકવાદીઓના એક જૂથના લોકો છુપાયા હોવાની માહિતી મળી હતી.

સુરક્ષાબળને મળેલી બાતમીના આધારે જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ અને CRPF સાથે મળીને, સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યુ કર્યું હતું. દરમિયાન એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ સર્ચ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. આનાથી આતંકવાદીઓ છુપાયા હોવાની વાતની પુષ્ટિ થઈ. ત્યારબાદ સુરક્ષાબળોએ ઘરમાં છુપાયેલા આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું.

 

અનેકવાર તક આપ્યા બાદ પણ તે શરણે ન થયા અને ફાયરિંગ કરતા રહ્યા હતા. આખરે, સૈનિકોના જવાબી કાર્યવાહી સાથે એન્કાઉન્ટર શરૂ થયું. શરૂઆતમાં એક આતંકી માર્યો ગયો હતો. આ પછી આતંકવાદીઓ લોકેશન બદલતા રહ્યા, જેના કારણે મોડી સાંજ સુધી એન્કાઉન્ટર ચાલુ રહ્યું. આખરે વધુ બે આતંકવાદીઓને ઠાર કરવામાં સુરક્ષાદળોને સફળતા મળી હતી.

પોલીસે એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા હોવાની પુષ્ટિ કરી છે. એન્કાઉન્ટર લાંબા સમય સુધી ચાલતું હોવાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ પાસે મોટી માત્રામાં હથિયાર અને ગોળીઓ હતી. સુરક્ષા દળોએ હજુ પણ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. લોકોને એન્કાઉન્ટર સ્થળ સુધી ન જવા માટે કહેવામાં આવ્યું છે. એવી આશંકા છે કે આતંકવાદીઓનો દારૂગોળો સ્થળ પર હશે, જેના કારણે અકસ્માત થઈ શકે છે.

(9:42 pm IST)