Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

માફિયા ડોન અરુણ ગવલીને આજીવન કેદ યથાવત રાખતી મુંબઈ હાઇકોર્ટ

શિવસેના કાઉન્સિલર કમલાકર જમસાંડેકરનાં ઘાટકોપર સ્થિત ઘરમાં ઘુસીને તેમની હત્યા કરી હતી

મુંબઈ : બોમ્બે હાઇકોર્ટે માફિયા ડોન અરૂણ ગવળીને મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ નિયંત્રણ કાયદો(મકોકા)  મુજબ નીચલી અદાલત દ્વારા 2012માં આપવામાં આવેલી ઉંમરકેદની સજા યથાવત રાખી છે.

 ન્યાયમુર્તી બી પી ધર્માધિકારી અને ન્યાયમુર્તી સ્વપ્ના જોશીની બેન્ચે પુર્વ ધારાસભ્ય ગવળીની સાથે જ ગુનાઓમાં સામેલ કેટલાક અન્ય સાથીઓની સજાની પણ જાળવી રાખી છે.ત્યારબાદ ગવળીનાં વકીલ એસ.પાટીલે કહ્યું કે તે હાઇકોર્ટનાં આ ચુકાદા વિરૂધ્ધ અપીલ કરશે.

 અત્રે ઉલ્લેખનિય છે કે અરૂણ ગવળી દ્વારા મોકલવામાં આવેલા કેટલાક હુમલાખોરોએ માર્ચ,2008માં શિવસેના કાઉન્સિલર કમલાકર જમસાંડેકરનાં ઘાટકોપર સ્થિત ઘરમાં ઘુસીને તેમની હત્યા કરી હતી.ત્યારબાદ ગવળીની પણ ધરપકડ કરવામાં આવી હતી અને વિશેષ અદાલતે તેને વર્ષ 2012માં આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.જેને હવે બોમ્બે હાઇકોર્ટે પણ બહાલ રાખી છે.

 માફિયા ડોન વર્તમાનમાં નાગપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે.આ પહેલા વિશેષ મકોકા અદાલતે ગવળીને ઉમરકેદની સજા સંભળાવતા તેના પર 17 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને આ દંડ ભરવામાં નિષ્ફળ જશે તો વધુ ત્રણ વર્ષની સજા ભોગવવી પડશે. વિશેષ અદાલતે આ મામલે અન્ય લોકોને પણ આજીવન કેદની સજા ફટકારી હતી.તે ઉપરાંત આ મામલામાં સામેલ સુનિલ ઘાટેને શસ્ત્ર કાયદા અનુસાર ત્રણ વર્ષની સજા સંભળાવી.

(12:28 am IST)