Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

૨૧૮ ફાસ્ટટ્રેક કોર્ટ રચનાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેબિનેટની અંતે મંજુરી

૧૪૪ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રેપના કેસ હાથ ધરાશે : યુપીમાં વધતા બળાત્કારો, અન્ય અપરાધોને રોકવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેબિનેટ મિટિંગમાં મોટા નિર્ણયો

લખનૌ, તા. ૯ : ઉન્નાવ જિલ્લામાં ગેંગરેપ બાદ જીવિત સળગાવી દેવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ઉત્તરપ્રદેશના જુદા જુદા વિસ્તારોમાંથી આવી રહેલી ઘટનાઓને ધ્યાનમાં લઇને હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેબિનેટમાં સોમવારના દિવસે ૨૧૮ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. અત્રે નોંધનીય છે કે, ૨૧૮માંથી ૧૪૪ કોર્ટમાં રેપ મામલાઓની સુનાવણી ચાલી રહી છે. આ મામલામાં નિકાલ માટે તેજી લાવવામાં આવશે. પ્રદેશના કાનૂન મંત્રી બ્રજેશ પાઠકે આજે મંત્રીમંડળની બેઠક બાદ માહિતી આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહિલાઓ સાથે થઇ રહેલા અપરાધો અંગે ચિંતાવ્યક્ત કરી છે. મંત્રીમંડળે મહિલાઓ અને બાળકોની સાથે આવા અપરાધોના મામલાની સુનાવણી માટે ૨૧૮ ઝડપી કોર્ટની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

           આમાંથી ૧૪૪ કોર્ટ બળાત્કારના મામલામાં નિયમિતરીતે સુનાવણી કરનાર છે જ્યારે ૭૪ કોર્ટમાં પોક્સોના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મંત્રીએ કહ્યું છે કે, આ તમામ કોર્ટ માટે અપર સત્ર ન્યાયાધીશના ૨૧૮ પદ ઉભા કરવામાં આવનાર છે. સાથે સાથે કોર્ટ કર્મીઓના પદ પણ ઉભા કરવામાં આવનાર છે. પાઠકે કહ્યું છે કે, આ કોર્ટની રચના પર થનાર ખર્ચ પૈકી ૬૦ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો તથા ૪૦ ટકા હિસ્સો રાજ્ય સરકારનો રહેશે. દરેક નવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પગાર અને અન્ય પદ પર ૬૩ લાખ રૃપિયાનો ખર્ચ કરવામાં આવશે. તાજેતરમાં જ હરદોઈ, કાનપુર, બહરાઈચ સહિત અન્ય જિલ્લાઓમાં રેપની ઘટનાઓમાં વધારો થઇ ચુક્યો છે. આ ઘટનાઓ બાદ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સાથે સાથે ઉત્તરપ્રદેશની યોગી સરકાર સામે પણ પ્રશ્ન થઇ રહ્યા છે. રવિવારના દિવસે ઉન્નાવ રેપપીડિતાની દફનવિધિ કરવામાં આવી હતી. બીજી બાજુ મહિલાઓની હત્યા અને તેમને સળગાવી મુકવાના મામલામાં ભાજપના નેતા જયાપ્રદાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે, દોષિતોને તેલંગાણા એન્કાઉન્ટરની જેમ જ મોતને ઘાટ ઉતારવા જોઇએ. જો કે, જયાનું કહેવું છે કે, અમને કાયદાઓ હાથમાં લેવા જોઇએ નહીં. જયાપ્રદાએ કહ્યું હતું કે, જ્યાં અમારી પુત્રીઓની હત્યા કરવામાં આવે છે, તેમને સળગાવી દેવામાં આવે છે.

           આવી સ્થિતિમાં દોષિતોને તેલંગાણાની જેમ જ એન્કાઉન્ટરમાં મારી નાંખવા જોઇએ. જયાએ અપીલ કરી હતી કે, આ પ્રકારના મામલાઓમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલવાની જરૃર છે. દોષિતોને વહેલીતકે કઠોર સજા થવી જોઇએ. આજે કેબિનેટની બેઠકમાં ૨૧૮ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાને લીલીઝંડી આપવામાં આવી હતી. ૧૪૪માં માત્ર રેપના મામલાઓમાં સુનાવણી થશે. ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના રેપ બાદ જીવતી સળગાવી દેવામાં આવેલી યુવતીના મૃતદેહની ગઇકાલે ગામમાં દફન કરવામાં આવતા સુરક્ષા રાખવામાં આવી હતી. દફનવિધી વેળા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. બીજી બાજુ લખનૌના કમિશ્નર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પિડીતાની બહેનને સરકારી નોકરી આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પરિવારને આવાસ પણ આપવામાં આવ્યું છે. પિડિતાના પરિવારને ૨૫ લાખ સુધીનું વળતર પણ મળી ચુક્યું છે. પિડિતાની બહેન અને પરિવારને સભ્યોને ૨૪ કલાકની સુરક્ષા આપનાર છે. હથિયાર લાયસન્સ પણ આત્મરક્ષણ માટે અપાઈ રહ્યા છે. ઉન્નાવ રેપ પીડિતા મામલે દેશભરમાં નારાજગી પ્રવર્તી રહી છે.

(8:20 pm IST)