Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

દિલ્હી અગ્નિકાંડ : ફેક્ટરી માલિક-મેનેજર કસ્ટડીમાં

બંનેને ૧૪ દિવસ માટે કસ્ટડીમાં લઇ લેવાયા : આઈપીસીની જુદી જુદી કલમ હેઠળ કેસ નોંધીને ચકાસણી

નવીદિલ્હી, તા. ૯ : જુની દિલ્હી અનાજમંડી વિસ્તારમાં રવિવારના દિવસે ફાટી નિકળેલી વિનાશક આગની ઘટનામાં ૪૩ લોકોના મોત થયા બાદ આ મામલામાં પકડી પાડવામાં આવેલા ફેક્ટ્રી માલિક રેહના અને મેનેજર ફુરકાનને આજે તીસહજારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તીસહજારી કોર્ટે બંનેને પુછપરછ માટે ૧૪ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો હતો. બંને ઉપર આઈપીસીની કલમ ૩૦૪ અને ૨૮૫ લાગૂ કરવામાં આવી છે. રેહન ખુબ જ સાંકડા વિસ્તારમાં મંજુરી લીધા વગર આ ઇમારતમાં ગેરકાયદે ફેક્ટ્રી ચલાવી રહ્યો હતો. અહીંથી નિકળવા માટે પણ એક જ માર્ગ હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, આગ લાગવાની ઘટના બાદ મોટાભાગના લોકોના મોત શ્વાસ રુંધાઈ જવાના કારણે થયા હતા.

               શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. ઇમારતમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, વસ્ત્રો અને સિલાઈ મશીન મુકવામાં આવ્યા હતા જેના પરિણામ સ્વરુપે કાર્બન મોનોક્સાઇડ ગેસ ફેલાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઇમારતમાં મોટાભાગની બારીઓ પણ બંધ હતી. બીજા માળે આગ ફાટી નિકળ્યા બાદ ત્રીજા અને ચોથા માળ સુધી ફેલાઈ ગઈ હતી.  દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ દ્વારા આગની ઘટનામાં તપાસના તરત જ આદેશ જારી કર્યા હતા. દિલ્હી સરકારે મૃતકોના પરિવાર માટે ૧૦-૧૦ લાખ રૃપિયા આપવાની તથા ઘાયલ થયેલા માટે ૧-૧ લાખ રૃપિયાના વળતરની જાહેરાત કરી હતી. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાન રાહત ભડોળમાંથી મૃતકોના પરિવારને ૨-૨ લાખ રૃપિયા અને દાઝી ગયેલા લોકો માટે ૫૦-૫૦ હજાર રૃપિયાની જાહેરાત કરી હતી.

            દિલ્હી સરકાર, પીએમઓ, ભાજપ અને બિહાર સરકારે વળતરની જાહેરાત કરી દીધી હતી. ભાજપે પણ પાંચ-પાંચ લાખ રૃપિયા આપવાની જાહેરાત કરી હતી. બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે પણ રાજ્ય સાથે જોડાયેલા પીડિતોના પરિવારને બે-બે લાખ રૃપિયાના નાણાંકીય સહાયતા આપવાની જાહેરાત કરી હતી. કેજરીવાલેં હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સાથે જ ઈજાગ્રસ્તોને ૧-૧ લાખની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી હતી. બીજીબાજુ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખ અને ઇજાગ્રસ્તોને ૨૫-૨૫ હજારની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી હતી. ભાજપના મનોજ તિવારીએ કહ્યું છે કે, મૃતકોના પરિવારને એક-એક કરોડ રૃપિયાની મદદ કરવામાં આવે તે જરૃરી છે.

(8:13 pm IST)