Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ઓવૈસીની હિટલર લીગ અંગે ટિપ્પણી અંતે રેકોર્ડથી હટાવાઈ

ઓવૈસીની ટિપ્પણીથી ગૃહમાં જોરદાર ધાંધલ થઇ : અમિત શાહની સરખામણી ઓવૈસીએ હિટલર સાથે કરી

નવીદિલ્હી, તા. ૯ : નાગરિક સુધારા બિલ ૨૦૧૯ને લઇને આજે લોકસભામાં ભારે ધાંધલ ધમાલ થઇ હતી. બિલનો વિરોધ કરીને સાંસદ ઓવૈસીએ એક ટિપ્પણી કરતા હોબાળો થયો હતો. ઓવૈસીની હિટલર લીગ ટિપ્પણીને રેકોર્ડથી દૂર કરવામાં આવી હતી. ઓવૈસીએ બિલના વિરોધમાં અમિત શાહની સરખામણી હિટલર સાથે કરી હતી અને કહ્યું હતું કે, જો આ બિલ પાસ થઇ જશે તો ગૃહમંત્રીનું નામ હિટલર અને દવિદબેન ગોયોનની યાદીમાં આવી જશે. સ્પીકરે આ ટિપ્પણી માટે ઓવૈસીને જોરદાર ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, ગૃહમાં આ પ્રકારના અમર્યાદિત શબ્દનો ઉપયોગ કરવો જોઇએ નહીં. સાથે સાથે તેઓએ આ પ્રકારના શબ્દોને દૂર કરવાનો પણ આદેશ કર્યો હતો. ઓવૈસીએ બિલના વિરોધમાં કહ્યું હતું કે, તેઓ સ્પીકરના માધ્યમથી કહેવા માંગે છે કે, દેશને આ પ્રકારના કાયદાઓથી બચાવવાની જરૃર છે. આ પ્રકારના કાયદાથી દેશને નુકસાન થશે. ગોયોનને આધુનિક ઇઝરાયેલના સ્થાપક તરીકે ગણાવામાં આવે છે.

         આ નિવેદન ઉપર ભાજપના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો ત્યારબાદ આને રેકોર્ડથી દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. લોકસભામાં આજે આ બિલ રજૂ કરવામાં આવ્યા બાદ જોરદાર હોબાળો થયો હતો. કોંગ્રેસના અધિર રંજન ચૌધરીએ પણ કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા.  વિપક્ષી સભ્યો દ્વારા બિલ લઘુમતિ વિરોધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા બાદ કેન્દ્રીયમંત્રી અમિત શાહે ૧૯૪૭માં દેશના વિભાજનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ધર્મના આધાર પર દેશનું વિભાજન કરવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. અમે આ કામ કર્યું નથી. અમિત શાહે બિલ રજૂ કરીને કોંગ્રેસ પાર્ટી અને અન્યો ઉપર જોરદાર પ્રહારો કર્યા હતા. બિલને લઇને આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર ચાલ્યો હતો.

(8:09 pm IST)