Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સોશ્યલ મિડીયાનો સદ્ઉપયોગઃ યુવાનો દ્વારા ફેસબુક ઉપર પોતાની સઘળી માહિતી મુકી મહિલાઓને ઉપયોગી થવા પહેલ

નામ- મોબાઈલ નંબર- શહેર- વાહન સહિતની જાણકારીઃ કોમન ફ્રેન્ડના માધ્યમથી યુવાનની અગાઉથી તપાસ પણ કરી શકાય

રાજકોટ,તા.૯: દેશભરમાં મહિલાઓ ઉપર દુષ્કર્મ, એસીડ ફેકવા, જીવતી સળગાવી દેવાના વધતા બનાવોથી રોષનો  માહોલ છે. લોકો ઠેર- ઠેર વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. સંસદમાં પણ ઉન્નાવ કાંડનો મુદ્દો ઉછળ્યો છે, ત્યારે સોશ્યલ મિડીયામાં એક અનોખી પહેલ શરૂ થઈ છે.

સોશ્યલ મિડીયાના ફેસબુકના માધ્યમથી યુવકોએ નવો ચિલો ચિતરવાની શરૂઆત કરી છે. ફેસબુક ઉપર યુવાઓ પોતાની તમામ માહિતી શેર કરી મહિલાઓને સુરક્ષા માટે, કોઈ મુશ્કેલીમાં મદદ માટે કે આસપાસના વિસ્તારોમાંથી લઈ ઘર સુધી પહોંચાડવા માટે આગળ આવ્યા છે.

ઘણા યુવકોએ આ અંગે પોતાની માહિતી જાહેર કરવાની શરૂ કરી દીધી છે. જેમાં યુવકો પોતાનું નામ, મોબાઈલ નંબર, કાર અને સ્કૂટરની માહિતી, પોતાના શહેરનું નામ આપી બહેનો- માતાઓ અને દિકરીઓના રક્ષણ- સહાય માટે પહેલ કરી છે.

સોશ્યલ મિડીયા પ્લેટફોમ ફેસબુકમાં કોમન ફ્રેન્ડના માધ્યમથી મહિલાઓ યુવક અંગે વધુ માહિતી પણ મેળવી શકે છે. જો જરૂર લાગે તો ક્રોસ વેરીફીકેશન પણ કરી શકે છે. હાલના સમયમાં સોશ્યલ મિડીયાના સારા- નરસા બન્ને ઉપયોગ થઈ રહ્યા છે, ત્યારે યુવાનો દ્વારા બહેન- દિકરીઓની સલામતીની જવાબદારી ફકત સરકારની જ નહીં પણ પોતાની પણ હોવાની પ્રતિતિ કરાવી રહ્યા છે.

(3:56 pm IST)