Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

બેંગ્લોર ડુંગળી ૨૦૦ રૂપિયે કિલો

૧ કિલો ડુંગળીમાં ૨ કિલો સફરજન આવી જાય

 નવી દિલ્હી,તા.૯: ડુંગળીના ભાવ દિવસે ન વધે તેટલા રાત્રે અને રાત્રે ન વધે તેટલા દિવસે વધી રહ્યાં છે. દક્ષિણ ભારતના મદુરાઇ અને બેંગ્લોરમાં ડુંગળીની કિંમતો રૂપિયા ૨૦૦ પ્રતિ કિલો પર પહોંચી છે. દેશના મોટાભાગના શહેરોમાં ડુંગળીની કિંમતો રૂપિયા ૧૦૦ને પાર કરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી બેંગ્લોરમાં ડુંગળીની સરેરાશ કિંમત રૂપિયા ૧૪૦ પર હતી પરંતુ પુરવઠામાં તીવ્ર અછત સર્જાતાં ડુંગળીના ભાવ રૂપિયા ૨૦૦ પ્રતિ કિલો પર પહોંચી છે. કોઇમ્બતૂરમાં પણ ડુંગળી રૂપિયા ૨૦૦ પ્રતિ કિલો પર વેચાઈ રહી છે. કર્ણાટકના એગ્રિકલ્ચરલ માર્કેટિંગ ઓફિસર સિદ્ઘાગંગૈયાએ જણાવ્યું હતું કે, જથ્થાબંધ બજારોમાં ડુંગળી રૂપિયા ૫,૫૦૦થી રૂપિયા ૧૪,૦૦૦ પ્રતિ કિવન્ટલ વેચાઈ રહી છે. રવિવારે ગોવાના પણજીમાં ડુંગળીના ભાવ રૂપિયા ૧૬૫ પર પહોંચ્યા હતા.   ડુંગળીના મુખ્ય ઉત્પાદક કેન્દ્ર નાસિકના જથ્થાબંધ બજારમાં ડુંગળીની કિંમત રૂપિયા ૭૯ પ્રતિ કિલો વેચાઈ રહી હતી. સોલાપુરના બજારમાં ડુંગળીની કિંમત રૂપિયા ૨૦૦ પ્રતિ કિલોને પાર નીકળી ગઈ હતી. વેપારીઓનું કહેવું છે કે, ડિસેમ્બરના અંત સુધી ડુંગળીના ભાવમાં રાહત મળવાની કોઈ સંભાવના નથી. વેપારીઓના જણાવ્યા અનુસાર સૌથી સારી ગુણવત્ત્।ા ધરાવતી ડુંગળી રૂપિયા ૧૭૦-૧૮૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

ડુંગળીની સૌથી વધુ કિંમત ધરાવતા શહેરો

પણજી (ગોવા)                  રૂ. ૧૬૫

કોઝિકોડ (કેરળ)                રૂ. ૧૬૦

તિરુવનંતપુરમ (કેરળ)          રૂ. ૧૬૦

વાયનાડ (કેરળ)                રૂ. ૧૬૦

કોઝિકોડ (કેરળ)                રૂ. ૧૬૦

માયાબંદર (આંદામાન)         રૂ. ૧૫૦

મેંગ્લોર (કર્ણાટક)               રૂ. ૧૫૦

કોલકાતા (પ.બંગાળ)           રૂ. ૧૪૦

 

ડુંગળીના ગઢ ગણાતા કેન્દ્રમાં ભાવ

સોલાપુર મહારાષ્ટ્ર              રૂ. ૨૦૦

લાસલગાંવ મહારાષ્ટ્ર           રૂ.૧૦૦

નાસિક મહારાષ્ટ્ર                રૂ.૭૦

 

(10:19 am IST)