Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

દિલ્‍હી અગ્નિતાંડવઃ બિલ્‍ડિંગમાં ફરીથી આગ ભડકીઃ ચારેય તરફ ધુમાડાનું સામ્રાજય

આગ ઓલવવા માટે ૧૫૦ ફાયરફાઇટરોને આશરે પાંચ કલાકનો સમય લાગ્‍યો હતો

નવી દિલ્‍હી, તા.૯: દિલ્‍હીમાં રવિવારની વહેલી સવાર અનેક જીંદગી માટે મોત બનીને આવી ગઇ હતી. અતિ ગીચ અનાજ મંડી વિસ્‍તારમાં ચાર માળની ગેરકાયદેસર બંધાયેલી એક ઇમારતમાં રવિવારે આગ લાગી હતી અને ૪૩ લોકો જીવતા ભૂંજાઇ ગયા હતા. અને ૩૦થી વધુ લોકો દાઝી ગયા છે. સોમવારની સવારે પણ હજી સુધી આગ સંપૂર્ણપણે કાબુમાં નથી આવી શકી. બિલ્‍ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર આવી રહ્યા છે. જેથી આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાયરબ્રિગેડની બે ગાડીઓ આગ પર કાબુ મેળવવા માટે ઘટનાસ્‍થળ પર પહોંચી ગઈ છે.

રાજધાની દિલ્‍હીમાં આ અત્‍યારસુધીની બીજાક્રમની આગની સૌથી ભયાનક દ્યટના છે. આમ રાજધાની દિલ્‍હી ઉપહાર કાંડ બાદ ફરીથી આગની દ્યટનાને કારણે ચર્ચામાં આવી છે. પોલીસે તપાસ કરવા માટે ફેક્‍ટરીને પહેલેથી જ સીલ કરી દીધી છે. આસપાસના લોકોને બેરિકેડિંગ કરીને બહાર રોકવામાં આવી રહ્યા છે. ઈજાગ્રસ્‍તોમાંથી કેટલાકની પરિસ્‍થિતિ અત્‍યંત ગંભીર છે.

લગભગ પાંચ કલાક સુધી ચાલેલા રાહત બચાવ અભિયાનમાં ફાયર બ્રિગેડ અને પોલીસે ૬૦થી વધારે લોકોને સુરક્ષિત રીતે બિલ્‍ડિંગમાંથી બહાર કાઢ્‍યા હતા. આ દ્યટનામાં સૌથી વધારે મોત ગુંગળામણના કારણે થયા હતા. દિલ્‍હી સરકારે જિલ્લા મેજિસ્‍ટ્રેટને તપાસ કરવા માટે આદેશ આપ્‍યો છે અને સાત દિવસમાં એહેવાલ રજૂ કરવા માટે કહ્યું છે.

આગની વિનાશકતાનો અંદાજ એના પરથી જ લગાવી શકાય છે કે તેને ઓલવવા માટે ૧૫૦થી ફાયરફાઇટરોને આશરે પાંચ કલાકનો સમય લાગ્‍યો હતો. બચાવ કામગીરી કરતી વેળાએ ફાયરના બે કર્મચારીઓને પણ ઇજા પહોંચી છે. આ બિલ્‍ડિંગમાં બીજા માળે શોટ સર્કિટ (પ્રાથમિક જાણકારી મુજબ)થી લાગેલી આગ અન્‍ય માળમાં પણ ઝડપથી પ્રસરી હતી. બિલ્‍ડિંગમાં કોઇ સેફટી ક્‍લીયરન્‍સ ન હતું અને તેમાં કાર્ડ બોર્ડ્‍સ જેવા ઝડપથી આગ પકડે તેવી વસ્‍તુઓ હોવાથી હોનારત વધી ગઇ હતી.

 

(10:15 am IST)