Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

અનાજ મંડી આગ : દિલ્હી, બિહાર દ્વારા વળતર ઘોષિત

દિલ્હી સરકાર દ્વારા ૧૦-૧૦ લાખની સહાયતા વડાપ્રધાન નરેન્દ્ર મોદ દ્વારા રાહત ફંડમાંથી બે-બે લાખની અને બિહાર સરકાર દ્વારા બે-બે લાખની સહાયતા જાહેર કરાઈ

નવી દિલ્હી,તા.૮ : દિલ્હી અનાજ મંડી વિસ્તારમાં આજે સવારે લાગેલી ભીષણ આગમાં ૪૪ લોકોના મોત થયા બાદ મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ દ્વારા આગની ઘટનામાં તપાસના તરત જ આદેશ જારી કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અગ્નિકાંડની આ ઘટનામાં દોષિત રહેલા લોકોની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી સરકારે મૃતકોના પરિવાર માટે ૧૦-૧૦ લાખ રૂપિયા આપવાની તથા ઘાયલ થયેલા માટે ૧-૧ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાન રાહત ભડોળમાંથી મૃતકોના પરિવારને ૨-૨ લાખ રૂપિયા અને દાઝી ગયેલા લોકો માટે ૫૦-૫૦ હજાર રૂપિયાની જાહેરાત કરી હતી. દિલ્હી સરકાર, પીએમઓ, ભાજપ અને બિહાર સરકારે વળતરની જાહેરાત કરી દીધી છે. ભાજપે પણ પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે પણ રાજ્ય સાથે જોડાયેલા પીડિતોના પરિવારને બે-બે લાખ રૂપિયાના નાણાંકીય સહાયતા આપવાની જાહેરાત કરી છે.

             દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યું છે કે, આ ઘટના સોર્ટ સક્રીટના કારણે થઈ છે. કેજરીવાલે કહ્યું છે કે, આ ખુબ જ દુખદ ઘટના છે. મેજીસ્ટ્રેટ દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવનાર છે. દિલ્હી સરકારે સાત દિવસમાં રિપોર્ટ આપવા માટે પણ આદેશ કર્યો છે. દિલ્હીના મહેસુલ મંત્રી કૈલાશ ગહેલોત દ્વારા આદેશ કરાયો છે. દિલ્હી પોલીસ દ્વારા પણ આ મામલામાં તપાસ કરવામાં આવનાર છે. કેજરીવાલેં હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સાથે જ મૃતકોના પરિવારને ૧૦-૧૦ લાખ તથા ઈજાગ્રસ્તોને ૧-૧ લાખની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી હતી. બીજીબાજુ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખ અને ઇજાગ્રસ્તોને ૨૫-૨૫ હજારની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી કેજરીવાલ મોડી સાંજે એલએનજેપી હોસ્પિટલમાં દાઝી ગયેલા લોકોને મળવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે એક વ્યક્તિ ૫૦ ટકાથી વધુ દાઝી ગઈ છે. આઠ અન્યોને શ્વાસ સાથે ધુમાડા જવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અન્ય ૧૫ લોકો દાઝી ગયા છે. સમગ્ર ઈમારતમાં ગંભીરતાપૂર્વક અને ઝીણવટીપૂર્વક તપાસ કરવામાં આવી હતી. અગ્નિકાંડની ઘટનાથી તમામ ચોંકી ગયા છે.

અગ્નિતાંડવમાં ઝડપી તપાસના આદેશ જારી

સાત દિવસમાં રિપોર્ટ સોંપવા હુકમ

નવીદિલ્હી, તા. ૮ : દિલ્હી અનાજ મંડી વિસ્તારમાં ભીષણ અગ્નિકાંડની ઘટનામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તપાસના આદેશ જારી કરી દીધા છે. સાથે સાથે દોષિતોની સામે કઠોર કાર્યવાહી કરવા માટેની પણ ખાતરી આપી છે. કેજરીવાલે કહ્યું છે કે, મેજિસ્ટ્રેટ દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે. દિલ્હી સરકારે અનાજ મંડીની ક્ષેત્રની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં તપાસના આદેશ કર્યા બાદ ઉંડી તપાસ શરૂ થઈ ચુકી છે. દિલ્હીના રેવેન્યુ મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું છે કે, જિલ્લા મેજિસ્ટ્રેટ (મધ્ય) દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવશે. મેજિસ્ટ્રેટ તપાસ ઉપરાંત આ મામલામાં દિલ્હી પોલીસ પણ તપાસ કરશે.

(12:00 am IST)