Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

રાજસ્થાનમાં પરિણામ પહેલા કોંગ્રેસમાં ડખ્ખો :મુખ્યમંત્રીપદની દાવેદારી મુદ્દે ગેહલોત અને પાયલોટના સમર્થકો વચ્ચે ભંગાણ!

કોંગ્રેસના બન્ને સમૂહો પોતાની દાવેદારીને મજબૂત બનાવવામાં લાગી ગયા

જયપુરઃ રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પહેલા મુખ્યમંત્રીની રેસને લઈને સચિન પાઈલટ અને અશોક ગેહલોતના સમૂહો વચ્ચે તકરાર સામે આવી છે.એક્ઝિટ પોલ્સ મુજબ કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવતી દેખાઈ રહી છે.ત્યારે કોંગ્રેસના બન્ને સમૂહો પોતાની દાવેદારીને મજબૂત બનાવવામાં લાગી ગયા છે જયપુર સિવિલ લાયન્સથી કોંગ્રેસના ઉમેદવાર અને જયુપર શહેર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પ્રતાપસિંહ ખાચરિયાયાવાસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને લઈને વિવાદિત નિવેદનના કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
  શનિવારે વાઈરલ થયેલા એક વીડિયોમાં ખાચરિયાવાસે કહ્યું છે કે, “અમારા નેતા રાહુલ ગાંધી છે, તેઓ જે કહેશે તે મંજૂર રહેશે. મે અખબારમાં વાંચ્યું છે કે ગેહલોત સાહેબને મુખ્યમંત્રી પદ માટે પાંચ લોકોના નામ આપ્યા છે. તેઓ સિનિયર લીડર છે, હું તેમનું સન્માન કરું છું પણ તે વિષયમાં તેઓ નિર્ણય ના કરી શકે. મુખ્યમંત્રી કોણ બનશે તેના પર રાહુલ ગાંધી અને ચૂંટાયેલા સભ્યોની સમિતી નિર્ણય લેશે.”
  ખાચરિયાવાસનું નિવેદન આપ્યા પછી ગેહલોતના વર્તુળમાં હલચલ વધી ગઈ છે. ખાચરિયાવાસને PCC અધ્યક્ષ સચિન પાઈલટની નજીકના માનવામાં આવે છે. વસુંધરાની સામે રાજ્યમાં થયેલા ઘણાં આંદોલનોમાં તેઓ પાઈલટની સાથે નજરે પડ્યા છે. જ્યારે આ વિશે અમારા સહયોગી અખબાર પત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ખાચરિયા સાથે વાત કરી તો તેમણે કહ્યું, “મારું નિવેદન કોઈ વ્યક્તિ વિશેષ નહોતું, હું માત્ર હકીકત જણાવી રહ્યો હતો.”
  બીજી તરફ શનિવારે દિલ્હીમાં અશોક ગેહલોતે પણ કોંગ્રેસ નેતા ખાચરિયાવાસના નિવેદન પર કહ્યું કે તેમણે કશું ખોટું નથી કહ્યું. ગેહલોતે કહ્યું- તેમના (ખાચરિયાવાસના) નિવેદનમાં કશું ખોટું નથી. હું કોઈને મુખ્યમંત્રી કઈ રીતે બનાવી શકું? મે ક્યારેય આવો દાવો કર્યો નથી. આ વિશે રાહુલ ગાંધી અને પાર્ટીના મોવડીમંડળ નિર્ણય લેશે.”

(9:38 pm IST)