Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે ટૂંકમાં ચુકાદો જાહેર

વિજય માલ્યાને આજે લંડનમાં કોર્ટમાં રજૂ કરાશે : પ્રત્યાર્પણ વોરંટ બાદથી વિજય માલ્યા જામીન પર જ છે ૧૦૦ ટકા રકમ ચુકવવાની તૈયારી દર્શાવ્યા બાદ ચર્ચાઓ

નવીદિલ્હી, તા. ૯ : સંકટમાં ફસાયેલા શરાબ કારોબારી વિજય માલ્યાને સોમવારના દિવસે એટલે કે આવતીકાલે લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. માલ્યાના પ્રત્યાર્પણના મામલામાં હવે વહેલી તકે ચુકાદો આવી શકે છે. કિંગ ફિશર એરલાઈન્સના પ્રમુખ રહી ચુકેલા ૬૨ વર્ષીય વિજય માલ્યા પર ૯૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ છે. આ કૌભાંડ બાદ વિજય માલ્યા ભારત છોડીને ફરાર થઇ ગયા હતા અને હાલમાં બ્રિટનમાં છે. ગયા વર્ષે એપ્રિલ મહિના બાદથી પ્રત્યાર્પણ વોરંટ જારી કરાયા બાદથી વિજય માલ્યા જામીન ઉપર છે. માલ્યા પોતાની સામે રહેલા મામલાને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યા છે. જો કે, માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, તેઓએ કોઇપણ લોન લીધી નથી. આ લોન કિંગ ફિશર એરલાઈન્સે લીધી છે. કારોબારી નિષ્ફળતાના કારણે પૈસા ડુબી ગયા છે. ગેરંટી આપવાનો મતલબ એ નથી કે તેમને છેતરપિંડી કરનાર વ્યક્તિ તરીકે ગણાવવામાં આવે. માલ્યાએ કહ્યું છે કે, તેઓ મૂળ રકમને ૧૦૦ ટકા પરત આપવાની તૈયારી દર્શાવી છે. આનો સ્વીકાર કરવામાં આવે તે જરૂરી છે. માલ્યાની સામે પ્રત્યાર્પણનો મામલો મેજિસ્ટ્રેટની કોર્ટમાં છેલ્લી ચાર ડિસેમ્બરના દિવસથી ચાલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાતમી ડિસેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે માલ્યાને મોટો ફટકો આપ્યો હતો. એ વખતે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને મોટો ફટકો આપીને તેમની સામે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી કાર્યવાહી માટેની અરજી ઉપર પ્રતિબંધ મુકવાનો ઇન્કાર કરી દીધો હતો. હાલમાં બ્રિટનમાં રહેતા વિજય માલ્યાએ પોતાના વકીલ મારફતે ભારતમાં સુપ્રીમ કોર્ટમાં ઇડીની કાર્યવાહી પર પ્રતિબંધ મુકવાની અરજી દાખલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. હકીકતમાં ઇડીએ વિજય માલ્યાને ફરાર આર્થિક અપરાધી જાહેર કર્યો હતો અને તેમની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. માલ્યાએ આ પ્રક્રિયા ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરીને સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે માલ્યાને રાહત આપવાના બદલે ઇડીને નોટિસ જારી કરીને તેની પ્રક્રિયાને આગળ વધારવાનો આદેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જુદી જુદી બેંકોના ૯૦૦૦ કરોડ રૂપિયાની લોન લઇને વિજય માલ્યા દેશમાંથી ફરાર થઇ ગયા હતા. ભારત સરકાર તેમને લંડનમાંથી દેશ પરત લાવવાના પ્રયાસમાં લાગેલી છે. બ્રિટનના કઠોર પ્રત્યાર્પણ કાયદા હેઠળ લંડન કોર્ટમાં ભારત સરકારની અરજી પર સુનાવણી હાલ ચાલી રહી છે. જ્યાં માલ્યાએ ભારતમાં જેલોની ખરાબ હાલતને લઇને વાંધો ઉઠાવ્યો હતો. પ્રત્યાર્પણથી બચવાના પ્રયાસ કર્યા છે. જો કે, ભારત સરકારે લંડનની કોર્ટને મુંબઈ સ્થિત આર્થર રોડ જેલનો વિડિયો મોકલ્યો હતો જેમાં ધ્યાન આપવામાં આવ્યા બાદ કોર્ટે જેલની વ્યવસ્થાને યોગ્ય ઠેરવી હતી. આજ કારણસર વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણનો ભય સતાવી રહ્યો છે.

(8:00 pm IST)