Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

વડાપ્રધાન દુનિયાભરમાં ફર્યા છે., પરંતુ અયોધ્યા શા માટે નથી આવ્યા? તેમજ PM મોદીને ચૂંટણી સમયે જ રામ મંદિર કેમ યાદ આવે છે? વિરાટ ધર્મસભામાં સંતોનો સવાલ

ગીરસોમનાથ : છેલ્લા કેટલાક સમયથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે. ત્યારે શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત વિરાટ ધર્મસભામાં મળી હતી. જેમાં દેશભરના સાધુ-સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે રામ મંદિર મામલે સંતો દ્વારા કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. સંતોએ સવાલ ઉઠાવ્યા હતા કે, વડાપ્રધાન દુનિયાભરમાં ફર્યા છે., પરંતુ અયોધ્યા શા માટે નથી આવ્યા? તેમજ PM મોદીને ચૂંટણી સમયે જ રામ મંદિર કેમ યાદ આવે છે?

આ ઉપરાંત સંતોએ કહ્યું હતું કે, ભારત હિન્દુઅઓનો દેશ હોવા છતાં રામ મંદિર બનાવવા માટે હિન્દુઓએ જ કેમ કાકલુદી કરવી પડી રહી છે? અને હિન્દુઓની ભૂમિ પર હિન્દુઓની વેદના કોઇ સમજતુ ન હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. હિન્દુઓએ ભારે આસ્થા સાથે મોદીને દિલ્હી મોકલ્યા હોવા છતાં મંદિર કેમ બન્યુ નથી? આજે દેશના સાઘુ-સંતોની સંસદે કેન્દ્ર સરકારને રામ મંદિર નિર્માણ માટે ઘર્માદેશ આપ્યો છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે કાનુન બનાવી રામ મંદિરનું નિર્માણ કરાવવું જોઈએ. આ અંગે સાધુ- સંતોએ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને આવેદન પણ પાઠવ્યું હતું.

આ ધર્મસભામાં સંત ભારતીબાપુએ જણાવ્યું હતું કે, અટલ બિહારીની સરકાર હતી. ત્યારે 6 હજારથી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર ન હોવાથી રામ મંદિરનું નિર્માણ કરાયું નહોતું, પરંતુ હવે ત્યાં પણ યોગી આદિત્યનાથની સરકાર છે. ત્યારે રામ મંદિર અયોધ્યામાં બનવું જ જોઈએ. સાથે ઓમકાર બાપુએ વડાપ્રધાન ઉપર આક્રોશ વ્યક્ત કરતા પૂછ્યું હતું કે, શું આપને માત્ર ચૂંટણી સમયે જ રામ મંદિરની યાદ આવે છે? જો અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો આગામી ચૂંટણીમાં લોકોનો સાથ ન મળવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

(1:19 pm IST)