Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ભારે સસ્પેન્સ વચ્ચે ગુજરાતમાં પ્રથમ ચરણમાં ૬૮ ટકા મતદાન

વિજય રૂપાણી, શક્તિસિંહ ગોહિલ, મોઢવાડિયાના ભાવિ પણ સીલ થયા : ઇવીએમમાં ખામી સર્જાવાના બનાવ ભાજપ અને કોંગ્રેસના જીતના દાવા : ૧૯ જિલ્લાની ૮૯ બેઠક પર ૯૭૭ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા : ૧૮ ડિસેમ્બરે પરિણામ : ૨૦૧૨ની તુલનામાં ત્રણ ટકા ઓછુ મતદાન

અમદાવાદ, તા.૯ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી  તે હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે શાંતિપૂર્ણરીતે ૬૮ ટકા મતદાન થયું હતું. આની સાથે જ ૯૭૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો હવે ૧૮મીના દિવસે થશે. સવારે મતદાનની પ્રક્રિયા આઠ વાગે શરૂ થયા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી ત્યારબાદ લાઈનમાં ઉભા રહેલા મતદારોને ટોકન આપવામાં આવ્યા હતા અને તેમને મતદાન કરવાની તક અપાઈ હતી. એકંદરે મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજીને તમામ આંકડા આપ્યા હતા અને ૬૮ ટકા મતદાન થયાની વાત કરી હતી. ૬૮ ટકા મતદાન થયા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાનીરીતે જીતના દાવા કરવામાં આવ્યા હતા. જુદા જુદા વિસ્તારોમાં ઉંચુ મતદાન થયું હતું. વલસાડમાં ૭૦ ટકા, કચ્છમાં ૬૩ ટકા, સુરેન્દ્રનગરમાં ૬૫ ટકા, મોરબીમાં ૭૫, રાજકોટમાં ૭૦, જામનગરમાં ૬૫, જુનાગઢમાં ૬૫, અમરેલી ૬૭, બોટાદ ૬૦, ભરુચ ૭૧ ટકા, ડાંગ ૭૧ ટકા, ભાવનગર ૬૨, તાપી ૭૩,  નવસારી ૭૫ ટકા, કચ્છ ૬૩ ટકા, દેવભૂમિ દ્વારકા ૬૩, ગીરસોમનાથ ૭૦, નર્મદામાં ૭૩ મતદાન થયું હતું. તમામ જગ્યાએ ઉલ્લેખનીય મતદાન થયું હતું. વર્ષ ૨૦૧૨માં પ્રથમ તબક્કામાં ૭૦.૭૫ ટકા મતદાન થયું હતું. ગઇ ચૂંટણી કરતા આંશિક ઓછુ મતદાન થયું છે. છેલ્લી ચુટણી કરતા આશરે ત્રણ ટકા ઓછું મતદાન થયું હતું.  અગાઉ આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે મતદાનની શરૂઆત થઇ હતી. મતદાન સવારે આઠ વાગે શરૂ થયા બાદ હવે સાંજે પાંચ વાગે સુધી ચાલ્યું હતું. મતદાન શરૂ થયા બાદ તમામ જગ્યાએ ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો હતો. કેટલીક બેઠકો પર તો શરૂઆતમાં જ મતદારોની લાંબી લાઇનો જોવા મળી હતી. મતદાન શરૂ થતાની સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુબાઇ વાઘાણી, કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને મોઢવાડિયા સહિત ૯૭૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.  પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં આ બે વિસ્તારોમાં ૮૯ સીટ પર સવારે મતદાન થયું હતુ અને સાંજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું.  પ્રથમ ચરણમાં ૨.૧૨ કરોડ મતદારો પૈકી ૬૮ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચ દ્વારા ૯૩ લાખ એસએમએસ  ચૂંટણી પહેલા કરવામાં આવ્યા હતા. ચૂંટણીને સાનુકુળ રીતે પાર પાડવા માટે ૨.૪૧ લાખ કર્મચારીઓ ચૂંટણી ફરજ પર તૈનાત  કરવામાં આવ્યા હતા.  પ્રથમ તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાં ચૂંટણી થઇહતી. આજે જે જિલ્લામાં મતદાન થયું હતું તેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્ધારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અને બોટાદનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ૫૪ સીટો હતી. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં મતદાન થયું હતું. જેમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં કુલ ૩૫ સીટો હતી. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૧૯ જિલ્લાને આવરી લેતી ૮૯ સીટ પર પ્રથમ તબક્કામાં મતદાન શરૂ થયા બાદ તમામ જગ્યાએ મતદારોની લાંબી લાઇન જોવા મળી હતી. પ્રથમ તબક્કાની ચૂટણી માટે ૧૪૧૫૫ સ્થળો પર ૨૪૬૮૯ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા હતા. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ ૨૧૨૫૩૧૬૫૨ મતદારો પૈકીના મોટાભાગના મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ  કર્યો હતો. કુલ મતદારો પૈકી ૧૧૦૦૫૯૩૩ પુરૂષ મતદારો છે. જ્યારે ૧૦૧૨૫૪૭૨ મહિલા મતદારો હતા. આવી જ રીતે ૨૪૭ થર્ડ જેન્ડર મતદારો હતા. પ્રથમ ચરણમાં કેટલીક બેઠકો પર ૧૬થી વધુ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.  પ્રથમ તબક્કાના મતદાનને લઇને  ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી હતી. પ્રથમ તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. અને છેલ્લી ઘડી સુધી મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસ કર્યા હતા.  ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ પ્રચારમાં રહ્યા હતા. કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓએ પણ તમામ તાકાત લગાવી દીધી હતી.રાજય વિધાનસભાની આ પહેલી ચૂંટણી છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર આ ચૂંટણી યોજાઈ રહી છે .  આ પરિસ્થિતિમાં જ્યાં એક તરફ વડાપ્રધાને પોતે તેમના પક્ષ ભાજપને ૧૫૦ થી વધુ બેઠકો પર વિજયી બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રચારકાર્ય માટે ગુજરાતની વિવિધ સ્થળોએ જાહેરસભાઓ કરી હતી.  ત્યાં બીજી તરફ કોંગ્રેસ તરફથી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ ઉમટી પડયા હતા. રાજયમાં પ્રથમ તબકકાની ૮૯ બેઠકો માટે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા પ્રચાર કાર્યમાં ઓખી વાવાઝોડાની સંભાવનાને લઈને એક દિવસ ખરાબ હવામાનને કારણે બંને રાજકીય પક્ષોનો ખરાબ થવા પામ્યો હતો. ગુરુવાર સાંજથી પ્રચારનો અંત આવ્યો હતો. ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેન્દ્રીય પ્રધાનો, નેતાઓની સભાઓ, રેલીઓ અને રોડ શો યોજવામાં આવ્યા હતા. ભાજપ તરફથી આ અગાઉ નાણાંમંત્રી અરૂણ જેટલી, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિતના નેતાઓ પ્રચારમાં ઉતર્યા હતા.તો કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી ઉપરાંત જયોતિરાદિત્ય સિંધીયા, પી.ચિદમ્બરમ, ગુલામનબી આઝાદની સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ વિવિધ બેઠકો માટે પોતાના પક્ષ તરફથી પ્રચાર કર્યો હતો.ગુજરાત વિધાનસભા માટે આ વખતે યોજાઈ રહેલી ચૂંટણી દેશ અને વિદેશમાં પણ ભારે ચર્ચાનું કેન્દ્ર બનવા પામી છે.પહેલીવખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર આ ચૂંટણી યોજાઈ રહી છે.આ ઉપરાંત રાજયમાં પાટીદાર ફેકટર સહિત અનેક પરિબળો આ વખતના ચૂંટણીજંગમાં સામે આવવા પામ્યા છે.આ પરિસ્થિતિમાં જયાં ભાજપ વિકાસના મુદ્દા સાથે છેલ્લા ૨૨ વર્ષથી રાજયમાં ચાલી રહેલા પોતાના શાસનની અવધી વધુ પાંચ વર્ષ જળવાઈ રહે એ હેતુ સાથે ૧૫૦ થી પણ વધુ બેઠકો સાથે ચૂંટણી જીતવા મેદાનમાં છે તો સામે પક્ષે કોંગ્રેસ રાજયમાં પોતાનો ૨૨ વર્ષનો રાજકીય સન્યાસ પુરો કરવા મેદાનમા ઉતરી છે.

(7:50 pm IST)