Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ગુજરાત : શાંતિપૂર્ણ મતદાન માટે જવાનો તૈનાત રહ્યા હતા

તમામ મતદાન મથકો પર પુરતા જવાનો ગોઠવાયા : ચૂંટણી પંચ દ્વારા સાવચેતીના તમામ પગલાઓ લેવાતા મતદાન શાંતિપૂર્ણ રહ્યું : વિડિયોગ્રાફી-ફોટોગ્રાફી કરાઈ

અમદાવાદ, તા.૯ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. પ્રથમ તબક્કામાં પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. શાંતિપૂર્ણ રીતે મતદાનને પાર પાડવા માટે પહેલાથી જ તમામ તૈયારી કરી લેવામાં આવી હતી.કોઇ પણ પ્રકારની હિંસાને રોકવા માટે પણ ચૂંટણી પંચે કમર કસી લીધી હતી. તમામ મતદાન મથકો પર પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા  હતા. ગુજરાત ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પુરી થાય એ માટે પહેલા તબકકામાં કુલ મળીને ૨,૪૧,૬૭૫ જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ સ્થળે ફરજ ઉપર તૈનાત કરવામા આવ્યા હતા. આ ઉપરાંત બીજા તબકકામા ૧,૧૬,૪૦૪ કર્મચારીઓ સાથે ૧,૨૫,૨૭૧ કર્મયોગીઓ તેમને સોંપવામા આવેલા ફરજના સ્થળે સુરક્ષા વ્યવસ્થાની કામગીરી સંભાળી હતી. આમ રાજયમાં કુલ મળીને ૧.૭૪ લાખ સુરક્ષા કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. રાજયમાં આચારસંહિતાનો અમલ ચાલી રહ્યો છે. ચૂંટણી ફરજ પર રહેલા કર્મચારીઓ પર નજર રાખવા માટે વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ તમામ જગ્યાએ કરવામાં આવી હતી. તમામ મતદારોને કોઇ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના ફરજના સ્થળે તૈનાત કરવામા આવ્યા હતા. હજુ સુધી ફલાઈંગ સ્કવોર્ડ અને એસએસટી દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાંથી કુલ મળીને રૂપિયા ૨૨.૮૯ કરોડની કિંમતનો વિદેશીદારૂ,રૂપિયા ૨૮.૧૬ લાખની કિંમતનો દેશીદારૂ અને અન્ય ચીજો મળીને કુલ રૂપિયા ૫૦.૭૯ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે. આજે સવારે મતદાનની શરૂઆત થયા બાદ સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા.

 

(7:48 pm IST)