Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

મતદાનની સાથે સાથે.....

તમામ દિગ્ગજોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

         અમદાવાદ,તા. ૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન યોજવામાં આવ્યું હતું. મતદાન શાંતિપૂર્ણરીતે પૂર્ણ થયું હતું. મતદાન શાંતિપૂર્ણરીતે પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પંચ દ્વારા તમામ માહિતી આપવામાં આવી હતી. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે મતદાન થયું હતું. ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનની સાથે સાથે નીચે મુજબ છે.

*      ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે મતદાન યોજાયું

*      પહેલા તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ ૧૯ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન

*      પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર કુલ ૯૭૭ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયુ હતુ

*      રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિતના અનેક દિગ્ગજોના ભાવિ ઇવીએમમાં કેદ થયા હતા

*      પ્રથમ તબક્કામાં કુલ ૯૨૦ પુરૂષ ઉમેદવારો અને ૫૭ મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા

*      સૌથી વધુ ઉમેદવારો જામનગર ગ્રામ્યમાં ૨૭ર ઉમેદવારો નોંધાયા હતા

*      જયારે સૌથી ઓછા ઉમેદવારો ઝઘડીયા અને ગણદેવી બેઠક પર માત્ર ત્રણ ઉમેદવારો નોંધાયા હતા

*      રાજયમાં પહેલા બે કલાકમાં આશરે ૧૪ ટકા જેટલું મતદાન નોંધાયુ

*      શરૂઆતના ચાર કલાકમાં રાજયમાં સરેરાશ ૩૧ ટકા જેટલું મતદાન નોંધાયુ

*      રાજયમાં કુલ ૧૪૧૫૫ સ્થળોએ ૨૪,૬૭૯ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા

*      હવે તા.૧૪મી ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાન બાદ તા.૧૮મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે

*      ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજયની ચૂંટણી પ્રક્રિયા માટે સવા લાખથી વધુ કર્મચારીઓની મદદ લેવામાં આવી છે

*      મતદાન મથકની ચૂંટણી સામગ્રી લાવવા લઇ જવા માટે આશરે ૪૫૦૦થી વધુ એસટી બસોની ફાળવણી કરાઈ

*      રિટર્નીંગ ઓફિસર દ્વારા દર બે કલાકે મતદાનના આંકડાની માહિતી રાજય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચને પહોંચાડાતી હતી

*      રાજયમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં સૌપ્રથમવાર ઇવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરાયો

*      રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના પત્ની અને પુત્ર સાથે મતદાન કર્યું

*      મુખ્યમંત્રીએ પરિવાર સાથે રાજકોટની રૈયારોડ પર આવેલી જ્ઞાનગંગા પ્રા.શાળામાં મતદાન કર્યું

*      રાજકોટમાં ટાગોર વિદ્યાલય ખાતે મતદાન શરૂ થયાના અડધા કલાકમાં જ ઇવીએમમાં ખામી સર્જાઇ

*      સુરતના કાપોદરામાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પણ ઇવીએમમાં ખામી સર્જાતા મતદાન એક કલાક મોડુ શરૂ થયુ

*      રાજયની તમામ વિધાનસભા બેઠકો પર થયેલી મતદાનની પ્રક્રિયા અને સમગ્ર કાર્યવાહીનું ચૂંટણી પંચ દ્વારા વેબ કાસ્ટીંગ કરાયું હતુ

*      ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાના મતદાન પર કેન્દ્રીય ચૂંટણી પંચે પણ સતત વોચ રાખી હતી

*      એકબાજુ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે બીજીબાજુ મોદી અને રાહુલની જાહેરસભાઓ વિવિધ સ્થળોએ ગાજતી રહી હતી

*      ભાજપ અને કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ પત્રકાર પરિષદ યોજી આક્ષેપો-પ્રતિઆક્ષેપોની ઝડીઓ વરસાવી હતી

*      ભાજપ અને કોંગ્રેસે આજે પોતપોતાની તરફેણમાં મતદાન કર્યું હોવાના દાવા કર્યા હતા

*      ગોંડલમાં ભાગ્યશ્રીબહેન સાપરિયાએ સીઝેરિયન ડિલીવરી કરાવ્યા બાદ મતદાન કરી પવિત્ર ફરજ અદા કરી હતી

*      સૌથી વયોવૃધ્ધ મતદાર એવા રાજકોટના ઉપલેટામાં ૧૨૬ વર્ષીય આજીમા ચંદ્રવાડિયાએ મતદાન કરી ભલભલાને શરમાવ્યા હતા અને પ્રેરણા પૂરી પાડી હતીે

*      ભાવનગરના બગદાણા ખાતે ફરજ પર હાજર થયેલા એએસઆઇનું હાર્ટ એટેકના કારણે કરૂણ મોત નીપજયુ હતું

*      સુરત, રાજકોટ, ભાવગનર સહિતના ઘણા જિલ્લાઓમાં યુવા મતદારોએ પોતાના પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

*      તો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા મતદાનમથકો પર વિકલાંગ મતદારોએ મતદાન કરી લોકજાગૃતિનો સંદેશો આપ્યો હતો

*      ગોંડલમાં એક મતદાર બિમાર હોવાછતાં એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર પર મતદાન કરવા આવ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

*      રાજયભરમાં આ વખતે વૃધ્ધ મતદારો અને મહિલાઓએ પણ મતદાનમાં સારી એવી જાગૃતિ બતાવી હતી

*      રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ પિતા અરવિંદ પૂજારા સાથે મતદાન કર્યું હતું

*      રાજકોટના ભાણવડમાં એક નવવધૂએ લગ્ન પહેલાં મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતુ

*      તો, ભરૂચના અંકલેશ્વર ખાતે પણ એક નવયુગલે લગ્ન પહેલાં મતદાન કરવાની પવિત્ર ફરજ નિભાવી હતી

*      રાજકીય નેતાઓ, આગેવાનો, ફિલ્મ કલાકારો, સાધુ-સંતો સહિતના અનેક મહાનુભાવો આજે મતદાન કરી ચર્ચામાં રહ્યા હતા

*      રાજકોટ ગ્રામ્યની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા મતદાન કરતા હતા ત્યારે તેમની પાછળ ઉભેલા શખ્સે વીડિયો ઉતારતા વિવાદ સર્જાયો હતો

*      તો, રાજકોટ પૂર્વની બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ રૈય્યાણીએ ખેસ પહેરીને મતદાન કરતાં આચારસંહિતાનો ભંગ થયાની ફરિયાદ ઉઠી હતી

*      ચૂંટણી અધિકારી દ્વારા ઉપરોકત બંને કિસ્સામાં તપાસના આદેશો જારી કરાયા હતા

*      પોરબંદરમાં મચ્છીમાર્કેટ નજીક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ અને ઝપાઝપી

*      એકાદ બે બનાવને બાદ કરતાં ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણી એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન

 

(7:48 pm IST)