Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

EVMમા 'ગરબડ'...પંજાનું બટન દબાવ્યું તો કમળમાં પણ થઈ લાઈટ !!

કેટલાક બુથો પણ એક જ વાઈફાઈ નંબર સાથે જોડાયેલા હોવાનો કોંગ્રેસનો સણસણતો આક્ષેપઃ ચૂંટણી તંત્ર દ્વારા સત્વરે તટસ્થ તપાસ કરી જ્યાં જ્યાં ખામીયુકત મશીનો છે ત્યાં ફેરમતદાન કરાવવા માંગણી

રાજકોટ, તા. ૯ :. અહીંયા વિધાનસભાની ચૂંટણીમાં સવારથી જ મોટાભાગે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની ટકાવારી આગળ ધપી રહી છે તેવામાં કાલાવડ રોડ પર રવિ ટાવર, રાજાપાર્ક પાસે ઈવીએમમાં ગરબડ હોવાનો મામલો પ્રકાશમાં આવતાની સાથે જ રાજકીય વર્તુળમાં દોડધામ સાથે હલચલ મચી જવા પામી છે... જેમાં એક મતદારે પંજાનું બટન દબાવ્યું તો સાથે સાથે કમળમાં પણ લાઈટ દેખાતા તે આશ્ચર્યચકિત થઈ ચોંકી ઉઠયો હતો. કોંગ્રેસે તુરંત મુદ્દાને ગંભીર ગણી પોતે અગાઉથી જ ઈવીએમમાં ગોટાળા હોવાની કરેલી ફરીયાદો સાચી ઠરી હોવાના સૂર ઉઠાવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ રોડ ઉપર વોર્ડ નં. ૧૦ ખાતે રાજાપાર્ક પાસે રવિ ટાવરમાં મતદાન કરવા ગયેલા એક મતદારે કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનિલભાઈના નિશાન પંજા ઉપર બટન દબાવ્યુ તો તે ચોંકી ઉઠયા હતા... કેમ કે મતદાતા જ્યારે મત આપે ત્યારે એ નિશાન ઉપર જ લાઈટ થતી હોય છે પરંતુ આ આશ્ચર્યચકિત કિસ્સામાં પંજાની સાથે સાથે કમળમાં પણ લાઈટ દેખાતા ગરબડ હોવાની શંકા ઉપજતા તુરંત મોબાઈલમાંથી ફોટો પાડી લીધો હતો.

આ અંગેની જાણ કોંગી વર્તુળમાં થતા તાબડતોબ મામલાને ગંભીર ગણાવી ૧૫૩ નંબરના બુથમાં ઈવીએમમાં થયેલી ગરબડ મામલે સંબંધીત તંત્ર સમક્ષ લેખીત રજૂઆત કરી સત્વરે યોગ્ય કરવાની માંગણી ઉચ્ચારાઈ છે.

દરમિયાન પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યુ હતુ કે, ૬૯ વિધાનસભાના અલગ અલગ મતદાન મથકોના લગભગ (વોર્ડ નં. ૧, બુથ નં. ૧ થી ૯, ૨૦ થી ૨૪, વોર્ડ નં. ૯, બુથ નં. ૬૮ થી ૭૪, ૮૪ થી ૮૮ તેમજ ૬૯ મત વિસ્તારમાં આવતી મહત્તમ જગ્યા) ઉપર વાઈફાઈ પણ ડાયરેકટ કનેકટ થાય છે. અલગ અલગ જગ્યાએ વાઈફાઈમાં યુઝર નેમની સીરીઝ એક જ સરખી આવતી હોવાથી પાસવર્ડ સુરક્ષિત નથી તો આ મામલે સત્વરે તટસ્થ તપાસ કરી જ્યાં જ્યાં ખામીયુકત મશીનો મુકાયા છે ત્યાં ત્યાં ચેક કરી રીવોટીંગ કરાવવું જરૃરી છે. પત્રકાર પરિષદમાં જીતુભાઈ ભટ્ટ, જયંતીભાઈ કાલરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મામલે કોંગ્રેસ દ્વારા ઓબ્ઝર્વર અશ્વિનીકુમાર તથા પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ હોવાનંુ જાણવા મળે છે.

(5:04 pm IST)