Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ઇ-મેઇલ અને SMS દ્વારા હાઇટેક બની રહ્યા છે દેશના ન્યાયાલયો

ઇ-કોર્ટ પ્રોજેકટની શરૂઆત થશેઃ કેસની સુનાવણી સ્થગન, સમન સાથે જોડાયેલી નિર્ણયોની જાણકારી અપાશે

નવી દિલ્હી તા. ૯ : ભારતીય ન્યાયપાલિકા પણ સતત હાઈ-ટેક બનવાના પ્રયત્નો કરી રહી છે. પક્ષકારો અને ન્યાયાલયો વચ્ચેના અંતરને ઘટાડવા માટે કોર્ટની તરફથી પક્ષકારોને SMS અને ઈ-મેઈલ મોકલવામાં આવી રહ્યા છે. આ કેસની સુનાવણી, સ્થગન અને સમન સાથે જોડાયેલા નિર્ણયોની જાણકારી આપવા માટે હજુ સુધી કોર્ટ દ્વારા ૪૦ લાખ SMS અને મેઈલ પક્ષકારો અને વકીલોને મોકલવામાં આવ્યા છે.

ભારતીય રેલવેની જેમ જ કાયદા મંત્રાલય તરફથી ગ્રામીણ ક્ષેત્રોથી આવતા લોકો જેમની પાસે ઈંટરનેટની સુવિધા નથી, તેમને SMS મોકલાઈ રહ્યા છે. કાયદા મંત્રાલય તરફથી ઈ-કોર્ટ પ્રોજેકટના બીજા ફેઝમાં આ સુવિધા આપવામાં આવી છે. જે લોકોની પહોંચથી ઈંટરનેટ દૂર છે તેવા લોકો યૂનિક કેસ નંબર (CNR નંબર) ૯૭૬૬૮૯૯૮૯૯ કરીને કેસ વિશેની જરુરી જાણકારી લઈ શકે છે.

ઈ-કોર્ટ સર્વિસ હેઠળ ઓટોમેટેડ મેઈલ સર્વિસની શરુઆત કરવામાં આવી છે. સરકારે ૧,૬૭૦ કરોડ રુપિયા આ યોજના માટે ફાળવ્યા છે. દેશની તમામ કોર્ટ્સમાં સંપૂર્ણપણે ઓટોમેટિક કાર્યપ્રણાલીને લાગૂ કરવાના ઉદ્દેશથી આ શરુઆત કરવામાં આવી છે. ટ્રાયલ કોર્ટથી અપીલ કોર્ટમાં ઈલેકટ્રોનિક રીતે રેકોર્ડ રાખવાની વ્યવસ્થા પણ આ પ્રોજેકટ અંતર્ગત રાખવામાં આવશે. નેશલ જયુડિશિયલ ડેટા ગ્રિડથી દેશની તમામ કોર્ટ્સને જોડવું, કોર્ટ રુમમાં વિડિયો કોન્ફરન્સિંગની સુવિધા અને વિડિયો કોન્ફરન્સ દ્વારા નિવેદનો રેકોર્ડ કરવાની સુવિધાઓ પણ સામેલ છે.

ન્યાય વ્યવસ્થા સંપૂર્ણપણ ટેકિનક આધારિત બનાવવા માટે નાગરિક આધારિત સુવિધાઓનો વિસ્તાર કરવાની પણ યોજના છે. તેમા ઈલેકટ્રોનિક ફિલિંગ, ઈ-પેમેંટ અને મોબાઈલ એપ્લીકેશંસનો પ્રયોગ પણ સામેલ છે. તમામ કોર્ટ કોમ્પલેકસમાં ટચસ્ક્રીન આધારિત કિઓસ્કસ અને જિલ્લા સ્તર પર જયુડિશિયલ અને સર્વિસ એકેડેમિક સેન્ટરોની સ્થાપના કરવામાં આવશે. સેવાઓ માટે લોન્ચ કરાયેલા મોબાઈલ એપને હજુ સુધી ૩ લાખ લોકો ડાઉનલોડ કરી ચૂકયા છે. કાયદા મંત્રાલય વિભાગના સેક્રેટરી આલોક શ્રીવાસ્તવે પાછલા અઠવાડિયે ઈ-કોર્ટ કમિટીની બેઠકમાં તેનો ઉલ્લેખ કરાયો છે.

(3:43 pm IST)