Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

લાલુને ઇડીનો જોરદાર ઝાટકોઃ ૪૫ કરોડની જમીન જપ્ત કરાઇ

હાલ આ જમીનને ધનશોધન પ્રતિબંધ જોગવાઇ હેઠળ અસ્થાયી રીતે કબ્જે કરી છે

પટણા તા. ૯ : પ્રવર્તન નિદેશાલય(ઈડી)એ રાજદના વડા લાલુ પ્રસાદ યાદવના પરિવાર સામે કાર્યવાહી કરતાં પટણામાં દરોડા પાડી લાલુના નામે ૭૫૦ કરોડના ખર્ચે મોલ બનાવવાનું આયોજન હતુ તેવી ૪૫ કરોડની ત્રણ એકર જમીન જપ્ત કરી લીધી છે. ઈડીએ હાલ આ જમીનને હાલ ધનશોધન પ્રતિબંધ અધિનિયમ હેઠળ અસ્થાયી રીતે કબજે કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે ગત સપ્તાહમાં જ ઈડીએ બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને લાલુનાં પત્ની રાબડીદેવીની પટણામાં પૂછપરછ કરી હતી. આ ઉપરાંત પૂર્વ ઉપ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવની પણ પૂછપરછ કરવામાં આવી છે. જયારે સીબીઆઈએ લાલુની પૂછપરછ કરી છે. ઈડીએ જે જમીન જપ્ત કરી છે તે જમીન રાબડીદેવી તેમજ તેજસ્વી યાદવ તેમજ લાલુ યાદવના પરિવારજનોના નામે છે.

આ અંગે એવો આક્ષેપ થઈ રહ્યો છે કે આ જમીન યુપીએ-૧ સરકારના શાસનમાં જયારે લાલુ યાદવ રેલવે પ્રધાન હતા ત્યારે લાલુને આઈઆરસીટીસીની બે હોટલનો ઈજારો આપવા માટે લાંચ તરીકે આપવામાં આવી હતી. આ મામલે સીબીઆઈએ પરિવારના અનેક સભ્યો સામે કાર્યવાહી કરી તેમના નિવાસ અને ઓફિસના સ્થળે દરોડા પાડયા હતા. અને આ કાર્યવાહી બાદ ઈડી લાલુની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી રહ્યું છે. જોકે સીબીઆઈ આ મામલે લાલુ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવની પૂછપરછ કરી ચુકી છે.

ઈડીના એક અધિકારીએ જણાવ્યું કે રાબડીદેવી અને તેજસ્વી યાદવના નિવેદનના આધારે લાલુની પૂછપરછ કરવામાં આવશે.અને આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. હાલ તો લાલુના પરિવારજનોના નામે પટણામાં આવેલી કીમતી જમીન ઈડીએ જપ્ત કરી છે તેને લગતી માહિતી એક માસમાં ઈડીના દિલ્હી ખાતેના સક્ષમ પ્રાધિકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. અને ત્યાર બાદ સક્ષમ પ્રાધિકાર છ માસમાં જ આ જમીન જપ્ત કરવાનો આદેશ સાચો છે કે ખોટો તે જાહેર કરી દેશે. જો આ અંગેનો નિર્ણય ઈડીની તરફેણમાં આવશે તો ઈડી આ જમીન પર સત્ત્।ાવાર કબજો લઈ લેશે. અને બાદમાં આ મામલે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરશે.

(3:36 pm IST)