Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

આ પઠાણી ઘોડો ૧.૧૧ કરોડ રૂપિયામાં વેચવા પણ એનો માલિક તૈયાર નથી

સારંગખેડાના ચેતક ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે શુદ્ધ પઠાણી નસલનો ઘોડો

મુંબઇ તા.૯: શુદ્ધ પઠાણી નસલના માત્ર ચાર વર્ષના આ ઘોડાની કિંમત છે ૧.૧૧ કરોડ રૂપિયા અને એનો માલિક આટલી અધધધ કિંમત મળતી હોવા છતાં એને વેચવા નથી માગતો અને એનું કારણ ફકત એટલું જ છે કે તેને આ અશ્વ સાથે લાગણી બંધાઇ ગઇ છે.

મહારાષ્ટ્રમાં ૩૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવતા સારંગખેડાના અશ્વબજાર ચેતક ફેસ્ટિવલનો પ્રારંભ ગઇ કાલે થયો હતો અને ફેસ્ટિવલના પ્રથમ દિવસે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો ૧.૧૧ કરોડ રૂપિયાની કિંમત ધરાવતો ઘોડો ઓસ્કર. અહમદનગરના રાજગડ સ્ટડ ફાર્મની શાન ગણાતા આ અશ્વને જોવા માટે મોટા પ્રમાણમાં લોકો ઊમટી આવ્યા હતા.

આ વર્ષે જાન્યુઆરીમાં આયોજિક જોધપુર રોયલ શોમાં જયારે આ અશ્વને લાવવામાં આવ્યો ત્યારે એની બોલી અધધધ ૧.૧૧ કરોડ રૂપિયા બોલાઇ હતી. જોકે ઘોડાના માલિક રાજ સાતપુતેની આ ઘોડાને વેચવાની કોઇ ઇચ્છા નથી.

આ ઘોડાની ખાસિયત છે એની શુદ્ધ પઠાણી નસલ. ૬૪ ઇંચની ઊંચાઇ ધરાવતા આ ઘોડાના કપાળ પર બરાબર ચેતક જેવો સફેદ તિલક છે કંઠમાળ ધરાવતા આ આકર્ષક ઘોડાના ચારેય પગ પર સફેદ રિંગ છે. આ ઘોડાની તંદુરસ્તી માટે એની આટલી કિંમત બોલાય છે, કારણ કે એની એવી માવજત પણ કરવામાં આવે છે. આ ઘોડાની માલિશ માટે ત્રણ જણને રાખવામાં આવ્યા છે અને એને એક વખત ખાવામાં દસ લીટર દૂધ, પાંચ-પાંચ કિલો ગોળ અને ચણા તથા ૩ કિલો બાજરી આપવામાં આવે છે. આ ઘોડો પુણે, વડોદરા, જોધપુર, હોર્સ-શોમાં બે-બે મળીને કુલ ૬ એવોર્ડ જીતી ચૂકયો છે.

(12:35 pm IST)