Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

મ. પ્ર. માં ૧૫ વર્ષની કિશોરીને ગેંગરેપ બાદ સળગાવી દેવાઇ

સનસનાટીભરી ઘટનામાં એકની ધરપકડ, એક હજુ ફરાર

સાગર તા. ૯ : મધ્યપ્રદેશના સાગરમાં એક સગીરા સાથે ગેંગરેપ બાદ તેને સળગાવી દીધાની ઘટના બનતાં સમગ્ર દેશમાં ચકચાર મચી છે. ૧૫ વર્ષની આ છોકરી ગંભીર હોસ્પિટલમાં જીવન-મોત વચ્ચે ઝુલા ખાઇ રહી છે. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે. જોકે અન્ય એક આરોપી હજુ પકડાયો નથી. પોલીસના જણાવ્યાનુસાર રાઘવેન્દ્ર સેન અને શુભમ યાદવ નામના બન્ને આરોપીઓ એક જ ગામમાં રહે છે. પીડિતા ઘરમાં એકલી હતી ત્યારે તેઓ ઘરમાં ઘુસ્યા હતા. પીડિતા પર બળાત્કાર કર્યા બાદ બન્ને આરોપીઓએ તેની પર કેરોસીન છાંટી તેને સળગાવી દીધી હતી. જોકે પીડિતાએ મદદ માટે બૂમાબૂમ કરતાં પાડોશીઓએ તેને બચાવી હતી.

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના વિધાનસભાના શિયાળા સત્રમાં ૧૨ વર્ષ કે તેથી ઓછી વયની છોકરીઓ સાથે બળાત્કાર અથવા કોઇપણ વયની મહિલા સાથે ગેંગરેપના દોષિતને ફાંસીની સજા આપવાની મંજૂરી અપાઇ હતી. સર્વસંમતિથી પસાર કરાયેલા આ બિલમાં વિપક્ષના વિરોધ વચ્ચે જનસલામતી કાયદામાં સરકારે વિચાર કરવાનો ભરોસો આપ્યો છે.આ બિલને હવે કાયદાની મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે.

(10:09 am IST)