Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ફેંસલે કી ઘડી

ઉત્સાહપૂર્વક મતદાનઃ ખેરખાંઓનું ભાવિ EVMમાં કેદ

સૌરાષ્ટ્ર - કચ્છ અને દક્ષિણ ગુજરાતની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે સવારે ૮થી મતદાન શરૃઃ સાંજ સુધી ચાલશેઃ ૯૭૭ ઉમેદવારોની હારજીત નક્કી થઇ રહી છેઃ રાજ્યના ૧૯ જિલ્લામાં ૨ કરોડથી વધુ મતદારો મતદાન કરી રહ્યા છેઃ મુખ્યમંત્રી રૂપાણી, સૌરભ પટેલ, દિલીપ સંઘાણી, શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા જેવા ધુરંધરોની કિસ્મતનો ફેંસલોઃ રાજ્યમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાઃ ૧૮મીએ મતગણતરી

નવી દિલ્હી તા. ૯ : ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૮૯ બેઠકો માટે આજે રાજ્યના ૧૯ જિલ્લાઓમાં સવારે ૮ વાગ્યાથી મતદાન કાર્યનો પ્રારંભ થયો છે જે સાંજ સુધી ચાલશે. પ્રથમ તબક્કાના મતદાનમાં ૨,૧૨,૩૧,૬૫૨ મતદારો મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ૯૭૭ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ કરી રહ્યા છે. રાજ્યમાં શાંતિપૂર્વક મતદાન થાય એ માટે તમામ સ્થળે જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. મતદાન માટે ૧૪૧૫૫ સ્થળે ૨૪૬૭૯ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ મતદાન સૌરાષ્ટ્ર - કચ્છ અને દ.ગુજરાતમાં યોજાય રહ્યું છે. આજે પ્રારંભ જ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગરમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ અમરેલીમાં મતદાન કર્યું હતું. કયાંક કયાંક સવારથી જ લાઇનો જોવા મળી હતી. વિજય માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ દાવા કર્યા છે. ૧૪મીએ બીજા તબક્કાના મતદાન બાદ ૧૮મીએ મતગણતરી થશે.

કચ્છના માંડવીની બેઠક પરથી કોંગ્રેસના શકિતશાળી નેતા શકિતસિંહ ગોહિલ, બોટાદની બેઠક પરથી ભાજપના પૂર્વ મંત્રી સૌરભ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. પોરબંદરની બેઠક પર ભાજપની સરકારના કેબિનેટ કક્ષાના મંત્રી બાબુભાઈ બોખિરિયા સામે પૂર્વ વિપક્ષના નેતા અર્જુન મોઢવાડિયા જંગમાં ઉતર્યા છે. ૯૩ બેઠક માટેની બીજા તબક્કાની ચૂંટણી ૧૪મીએ થશે જયારે ૧૮મીએ મત-ગણતરી હાથ ધરાશે.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સૌથી વધુ ૨૭ ઉમેદવારો જામનગર-ગ્રામ્યમાં અને સૌથી ઓછા ૩-૩ ઉમેદવારો ઝઘડિયા અને ગણદેવીની બેઠક પરથી મેદાનમાં છે. જયારે ૮ બેઠકો ઉપર ૧૬ કે તેથી વધુ ઉમેદવારો ઊભા છે. ૮૯ બેઠકોની ચૂંટણી માટે કુલ ૯૭૭ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેમના રાજકીય ભાવિના ફેંસલા માટે ૧૪,૧૫૫ સ્થળોએ ૨૪,૬૮૯ મતદાન મથકો તૈયાર કરાયાં છે. કુલ ૧,૧૧,૦૫,૯૩૩ પુરૂષ અને ૧,૦૧,૨૫,૪૭૨ મહિલાઓ મળીને કુલ ૨,૧૨,૩૧,૬૫૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણીમાં ૧૦૦ ટકા ઈવીએમ (ઈલેકટ્રોનિક વોટીંગ મશીન) અને વીવીપીએટનો ઉપયોગ થવાનો છે. જે ચૂંટણી પંચ દ્વારા જે તે જિલ્લામાં પહોંચતા કરી દેવાયાં છે.

પંચ દ્વારા ચૂંટણીની પ્રક્રિયા માટે કુલ ૧,૧૬,૪૦૪ જેટલા અધિકારીઓ-કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા છે. જયારે મુકત અને ન્યાયી માહોલમાં ચૂંટણી યોજાય તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કુલ ૧,૭૪,૮૪૨ જેટલા પોલીસ જવાનો-અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. રાજયમાં મતદાન માટે ડીસ્પેચ સેન્ટરથી મતદાન મથક સુધી મતદાન સ્ટાફ અને મત-સામગ્રીને લઈ જવા તથા મતદાન બાદ રીસીવીંગ સેન્ટર સુધી પરત લાવવા માટે કુલ ૪૪૭૧ એસટીની બસો ફાળવવામાં આવી છે. પ્રથમ તબક્કાની ચૂંટણીઓ યોજાવાની છે તે વિસ્તારોમાં સંપૂર્ણપણે ડ્રાય-ડેનો અમલ કરાવાશે એટલે પરવાનાથી પણ દારૂ મેળવી નહીં શકાય.

કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની  કુલ ૮૯ બેઠકો માટે આ ૯૭૭ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. ૮૯ બેઠક પર કુલ ૯૭૭ ઉમેદવાર મેદાનમાં છે. જેમાં ૧૦ તાલુકા, ૯૩૯ ગામડાં અને છ નગરપાલિકા વિસ્તાર આવે છે. તો જિલ્લાની દ્રષ્ટિએ જોઇએ તો કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના મતદારો તેમનો આગામી વિધાનસભ્ય કોણ તે ચૂંટી લેશે.રાજયના ૧૯ જિલ્લામાં સવારના ૮ વાગ્યાથી મતદાન શરૂ થઇ સાંજે ૫ કલાક સુધી રાજયના પ્રજાજનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ૧૪,૧૫૫ સ્થળ પર ૨૪,૬૭૯ મતદાનમથક પરથી કુલ ૨,૧૨,૩૧,૬૫૨ મતદારો પોતાનો મત આપે છે. આ ચૂંટણીમાં ૮ બેઠકના ૨૧૬૯ મતદાનમથકમાં મતદારોની સંખ્યા વધુ હોવાથી મતકુટિરની સાઇઝ વધારવામાં આવી છે.  શાંત-નિર્ભિક વાતાવરણમાં મતદાન યોજાય તે માટે ચૂંટણી પંચે ૧ લાખ ૭૪ હજાર પોલિસ કર્મચારીઓની સલામતી વ્યવસ્થા ગોઠવી છે. કુલ ૨.૪૧ લાખ ચૂંટણીકર્મી ફરજ બજાવે છે. મતદાન મથકની ચૂંટણીસામગી લાવવા-લઇ જવા ૪૪૭૧ એસટી બસ ફાળવણી કરાઇ છે. મતદાતાઓને મતદાનની અપીલ કરતાં ૯૩ લાખ બલ્ક મેસેજ મોકલવાની વ્યવસ્થા પણ ચૂંટણીપંચે કરી છે.મતદાન સમયે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની સાવચેતી પણ રાખવામાં આવી છે. ૩૦ ટકા મતદાનમથક પર પોલિસ જવાનો સાદા ડ્રેસમાં ફરજ બજાવે છે. કશી ઘટના બને તો તેના ફોટા અને મોબાઇલ વિડીયો રેકોર્ડિંગ ચૂંટણી પંચને મોકલી આપવામાં આવશે. સોસિઅલ મીડિયા દ્વારા કોઇ અટકચાળું ન કરે તે માટે સાયબર સેલની ૨૪દ્મક વધુ ટીમ નજર રાખશે.

દરેક મતદાનમથક પર વાહનો ૧૦૦ મીટરની હદમાં લાવી શકાશે નહીં પરંતુ ૨૦૦ મીટર દૂર ઉમેદવાર કામચલાઉ મથક બનાવી શકશે. થયેલાં મતદાનની ટકાવારી રીટર્નિંગ અધિકારી દર બે કલાકે મતદાનના આંકડા પૂરા પાડશે જેને અધિકારીઓ અપડેટ કરશે. સવારે સાડાદસ, બપોરે સાડાબાર, અઢી વાગ્યે અને સાંજે સાડા પાંચ વાગ્યે મતદાનના આંકડા અપડેટ કરાશે. આ ચૂંટણીથી વીવીપેટની નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેનાથી ઈવીએમમાં પડેલા મતની સંખ્યાને વીવીપેટ મશીનમાં પડેલી ચિઠ્ઠીઓની ગણતરી કરીને સરખી સંખ્યા ચકાસવામાં આવનાર છે.નોંધનીય છે કે વીવીપેટ મશીનમાં મતદાતાને સાત સેકેન્ડ સુધી પોતે જેને મત આપ્યો છે તેનું નિશાન જોવા મળશે.જેથી પોતે જેને મત આપવા માગે છે તેને જ પોતાનો મત ગયો છે તે મતદાતા સુનિશ્ચિત કરી શકશે.

ચૂંટણી પંચે આખા રાજયમાં કુલ ૫૦,૧૨૮ મતદાનમથકોમાંથી ૨૩,૫૦૦ એટલે કે ૪૫ ટકા મતદાનમથક સંવેદનશીલ જાહેર કર્યાં છે. સંવેદનશીલજાહેર કરાયેલાં મતદાનમથકોમાંને કુલ ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યાં છે જેમાં અતિસંવેદનશીલ કેટેગરીમાં મૂકયાં છે તેવા વિસ્તારોમાં પાટીદાર આંદોલન, દલિત આંદોલન અને ઓબીસી આંદોલન થયાં છે તે વિસ્તાર અને તે વર્ગના મતદાતા વધુ પ્રમાણમાં છે તેવા વિસ્તારમાંના મતદાનમથકોને અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં છે. જયાં સુધી સેન્સિટિવ મતદાનમથકની વાત છે ત્યાં સુધી ૨૦ ટકા બૂથ પરથી વેબ કાસ્ટિંગ કરીને નજર રાખવામાં આવશે.

(12:38 pm IST)