Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અર્નબ ગોસ્વામીની વચગાળા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

ડિઝાઈનરને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો કેસ : અરજદારને જામીન આપવા માટેનું કોઈ કારણ નથીઃકોર્ટ

મુંબઈ, તા. : આપઘાતની દુષ્પ્રેરણા આપવાના કેસમાં જેલમાં બંધ અર્નબ ગોસ્વામીને બોમ્બે હાઈકોર્ટમાંથી કોઈ રાહત નથી મળી. કોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. પોલીસે મામલે અર્નબ સાથે બે અન્ય લોકોની પણ નવેમ્બરે ધરપકડ કરી હતી.

હાઈકોર્ટના જસ્ટિસ એસએસ શિંદે અને એમએસ કર્ણિકની બેન્ચે અરજકર્તાને જામીન આપવાનું કોઈ કારણ નથી તેમ કહીને અર્નબની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે તેને નીચલી કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવા કહ્યું હતું, જેનો નિર્ણય કોર્ટે ચાર દિવસમાં લેવાનો રહેશે. બોમ્બે હાઈકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે પીડિતના હક્ક પણ આરોપીના હક્ક જેટલા મહત્વના છે. તેવામાં મેજિસ્ટ્રેટે સમરી સ્વીકારી લીધી છે અને હવે કેસમાં વધુ તપાસની જરુર નથી તેવી તેવી આરોપીની દલીલ સ્વીકારી શકાય તેમ નથી. કોર્ટે અર્નબ સાથે જેલમાં બંધ નીતિશ શારદા અને ફિરોઝ શેખ નામના આરોપીની અરજી પણ ફગાવી હતી. અર્નબે કોર્ટમાં હેબિયર્સ કોર્પ્સ પિટિશન કરીને પોતાની ધરપકડને ગેરકાયદે ગણાવી કેસમાં વધુ તપાસ બંધ કરવાની માગ સાથે પોતાની સામેની ફરિયાદ રદ્દ કરવા માગ કરી હતી. જોકે, મહારાષ્ટ્ર સરકારે તેનો વિરોધ કરતા જણાવ્યું હતું કે અર્નબ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી તેની હેબિયર્સ કોર્પ્સ અરજી ટકવાપાત્ર નથી.

અર્નબ પર આરોપ છે કે તેણે ૨૦૧૮માં અન્વય નાયક નામના ઈન્ટિરિયર ડિઝાઈનરને ચૂકવવાના થતાં રુપિયા નહોતા આપ્યા. ભારે નાણાંકીય ભીંસમાં આવી ગયેલા અન્વયે ઉઘરાણી ના મળતા માતા સાથે આપઘાત કર્યો હતો, અને સ્યૂઈસાઈડ નોટમાં અર્નબ અને બે શખ્સોનું નામ લખ્યું હતું. અર્નબ ગોસ્વામીની અલીબાગ પોલીસે ધરપકડ કરી તેને એક સ્કૂલમાં બનાવાયેલા ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખ્યો હતો. જોકે, ત્યાં તેની પાસેથી ફોન મળી આવતા તેને સબજેલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ અર્નબની ધરપકડ કરવા પહોંચી ત્યારે પણ તેના ઘરે ખૂબ તમાશો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અર્નબ અને તેની પત્નીએ એક કલાક સુધી બારણું નહોતું ખોલ્યું, અને અર્ણબે પોલીસ સાથે આવવાનો ઈનકાર કરી દેતા તેને જબરજસ્તી લઈ જવાની ફરજ પડી હતી.

બીજી તરફ, અર્ણબે પોલીસે પોતાની સાથે ઝપાઝપી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, પોલીસે પોતે શૂટ કરેલો વિડીયો રિલીઝ કરીને અર્નબ દ્વારા મૂકાયેલા આરોપોનું ખંડન કર્યું હતું. અર્નબને ક્વોરન્ટાઈન સેન્ટરમાંથી જેલમાં લઈ જવાઈ રહ્યો હતો ત્યારે તેણે પોલીસ માર માર્યો હોવાના પણ દાવા કર્યા હતા.

(9:42 pm IST)