Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

બરાક ઓબામાના શાસન કાળમાં ઉપરાષ્‍ટ્રપતિ બન્‍યાના પહેલા પણ બાઇડેનએ ભારત સાથે મજબુત સંબંધોની હિમાયત કરી હતીઃ હવે રાષ્‍ટ્રપતિ બનતા સંબંધ વધુ મજબુત થશે

જો બાઈડેન રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી ચૂક્યાં છે. તેઓ હવે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને કારમો પરાજય આપીને જીત હાંસલ કરી છે. અગાઉ પણ તેઓ બરાક ઓબામાના શાસન કાળમાં ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા.

હવે સ્વાભાવિક છે કે, સવાલ થાય કે જો બાઈડેન ભારત માટે કેટલા સારા સાબિત થશે? શું જો બાઈડેન ભારતના સારા મિત્રોમાં સામેલ થશે? આવા તમામ પ્રશ્નો છે, જે જો બાઈડેનની જીત બાદ ઉભા થઈ રહ્યાં છે. તો ચાલો અમે તમને જણાવીએ આખરે આવા પ્રશ્નોના શું જવાબ હોઈ શકે છે.

ભારત માટે કેટલા યોગ્ય છે જો બાઈડેન?

આ એક એવો પ્રશ્ન છે, જેનો જવાબ જાણવા દરેક ભારતીય આતુર છે. અહીં કેટલાક મહત્વની બાબતોમાં તેમનું વલણ કેવું હોઈ શકે છે, તે તેમના અગાઉના નિવેદનોથી જાણી શકાય છે.

શું બાઈડન ભારતના મિત્ર રહ્યાં છે?

બરાક ઓબામાના શાસનકાળમાં ઉપરાષ્ટ્રપતિ બન્યાના પહેલા પણ બાઈડેને ભારત સાથે મજબૂત સબંધોની હિમાયત કરી હતી. બન્ને સેનેટની વિદેશ સબંધિત સમિતિના અધ્યક્ષ અને પાછળથી ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારત સાથે રણનીતિક સંપર્કને ગાઢ બનાવવામાં બાઈડેને અમેરિકા-ભારત સબંધોના ભવિષ્ય માટે પોતાનો દ્રષ્ટિકોણ જાહેર કર્યો હતો.

બાઈડેને કહ્યું હતું કે, મારુ સપનું છે કે 2020માં દુનિયાના બે રાષ્ટ્ર ભારત અને અમેરિકા એકબીજાના નિકટ રહે. જો કે ત્યારે સેનેટર ઓબામા શરૂઆતમાં ભારત-અમેરિકા પરમાણુ સમજૂતિનું સમર્થન કરવામાં ખચકાતા હતા. બાઈડેને તેનું નેતૃત્વ કર્યું અને 2008માં અમેરિકા કોંગ્રેસમાં પરમાણુ સમજૂતીને મંજૂરી આપવા માટે ડેમોક્રેટ અને રિપબ્લિકન બન્નેની સાથે કામ કર્યું.

ઓબામા સરકારમાં વાઈસ પ્રેસિડન્ટ તરીકે બાઈડેનનું કેવું યોગદાન?

બાઈડેન ભારત-અમેરિકા ભાગીદારીને મજબૂત કરવા માટે મુખ્ય પૈરવી કરનારાઓમાંથી એક હતા. ખાસ કરીને રણનીતિક ક્ષેત્રોમાંથી. આ સમય દરમિયાન અમેરિકાએ સત્તાવાર રીતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતા માટે સમર્થનની જાહેરાત કરી હતી. જેની માંગ ભારત સરકાર ઘણાં લાંબા સમયથી કરી રહ્યું હતું. જેને અમેરિકાએ બાઈડેનના કાર્યકાળ દરમિયાન વાઈસ પ્રેસિડન્ટ તરીકે પૂર્ણ કર્યું હતું.

ઓબામા-બાઈડેન ઓથોરિટીએ ભારતને મેજર ડિફેન્સ પાર્ટનરનું નામ આપ્યું. જેને અમેરિકન કોંગ્રેસ દ્વારા મંજૂર પણ કરવામાં આવ્યું. આ એટલા માટે પણ મહત્વનું હતુ કારણ કે, આ પ્રથમ વખત હતું જ્યારે કોઈ પણ દેશને અમેરિકાની પારંપારિક ગઠબંધન પ્રણાલીની બહાર આ દરજ્જો આપવામાં આવ્યો હતો.

આતંકવાદ પ્રત્યે બાઈડેનનો દ્રષ્ટિકોણ શું છે?

ઓબામા ને બાઈડેને આતંકવાદ સામે લડવા માટે ભારતની સાથે સહયોગ વધારે મજબૂત કર્યો. બાઈડેનના કેમ્પેન ડોક્યુમેન્ટ અનુસાર, દક્ષિણ એશિયામાં આતંકવાદ માટે કોઈ ઉદારતા ના દાખવી શકાય. જો કે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પર પોતાના શાસન દરમિયાન તેમણે વધારે કંઈ નથી કહ્યું.

બાઈડેનની દ્રષ્ટિમાં ચીન કેવું?

છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનના આક્રમક વલણને જોતા અમેરિકાએ અનુભવ્યું છે કે, ચીનને લઈને રાજનીતિક હરિફ ડેમોક્રેટ અને રિપબ્લિકન કેટલીક હદ સુધી સહમત છે.

જો કે ટ્રમ્પ વહીવટી તંત્ર ચીનના સીમા વિસ્તારવાદને પગલે છેલ્લા 6 મહિનાથી ભારતનું ભરપુર સમર્થન કર્યું છે. ભારત અને બાઈડેન ઓથોરિટી પાસેથી પણ આવા જ દ્રષ્ટિકોણની અપેક્ષા રાખશે.

H1B વિઝા પર બાઈડેનનું વલણ કેવું રહેશે?

ટ્રમ્પ ઓથોરિટી દરમિયાન ભારતીયો માટે ઈમિગ્રેશન પોલિસી એક મુખ્ય ચિંતાનો વિષય રહી છે. જેમકે ડેમોક્રેટ ઈમિગ્રેશન પર વધારે ઉદાર જણાય છે. બાઈડેન (Joe Biden) એવા ભારતીયો પ્રત્યે ઉદાર રહે તેવી શક્યતા છે. જે અમેરિકા જઈને રિસર્ચ કરે છે વ્યવસાય કરે છે અને ત્યાં રહીને ઉમદા જીવન જીવવા માંગે છે.

બાઈડેને ફેમિલી આધારિત ઈમેગ્રેશનનું સમર્થન કરવા, કાયમી અને વર્કિંગ વિઝાની સંખ્યા વધારવા અને H1B વિઝા નીતિ સુધારવા અને રોજગાર આધારિત ગ્રીન કાર્ડની સીમાઓ સમાપ્ત કરવાનો વાયદો કર્યો છે. જેનાથી વિપરીત ટ્રમ્પ પ્રશાસનમાં નિયમો વધારે કડક કરવામાં આવ્યાં છે.

માનવાધિકારના મુદ્દે બાઈડેનનું વલણ કેવું રહેશે?

આ ભારત સરકાર માટે એક મોટી ચિંતાનો વિષય છે. જેમાં જમ્મુ-કાશ્મીર મુદ્દે ટ્રમ્પ પ્રશાસન તરફથી સમર્થન પ્રાપ્ત થયું છે.

જો કે કેટલાક અમેરિકન કોંગ્રેસી અને મહિલાઓએ પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી NRC અને કાશ્મીરમાં આર્ટીકલ 370ને હટાવવા અને નાગરિક્તા બિલ પાસ કર્યા બાદ માનવાધિકારની સ્થિતિ પર ભારતની નીતિ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. જો કે ટ્રમ્પ સરકારે કોઈ ધ્યાન આપ્યું નહતું.

જો કે સત્તામાં આવેલ ડેમોક્રેટ સાથે ભારત સરકાર આ મુદ્દાઓ પર બાઈડેન પ્રશાસન તરફથી આવા વિરોધીઓ પર સખ્ત નિવેદનની આશા કરી શકે છે. બાઈડેન (Joe Biden) ભારત સરકાર દ્વારા આસામમાં નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટરના લાગુ કરવા અને નાગરિક્તા સંશોધન કાયદો બન્યા બાદ નિરાશ થયા હતા.

શું બાઈડેન ભારત માટે સારા રાષ્ટ્રપતિ સાબિત થશે?

છેલ્લા 20 વર્ષોમાં દરેક અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, જ્યોર્જ બૂશ, બરાક ઓબામા અને ડોલાન્ડ ટ્રમ્પ વચ્ચે અનેક મુદ્દે મતભેદ હતા, પરંતુ જો કોઈ એક બાબતે તમામ લોકો સહમત હતા તો એ છે ભારત સાથે સશક્ત સબંધ.

જેનો અર્થ એ છે કે, ભારત સાથે સારા સબંધો સંદર્ભે બન્ને પાર્ટીઓ એકમત રહી છે. આટલું જ નહીં, છેલ્લા બે દાયકામાં દરેક અમેરિકન રાષ્ટ્રપતિએ ભારત સાથેના પોતાના સબંધોને વધુ ઊંચાઈ પર લઈ ગયા છે.

આથી એવો વિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી કે, બાઈડેન આજ પરંપરાને જાળવી રાખશે, પરંતુ ચોક્કસ છે કે, તેઓની પોતાની આગવી કાર્યશૈલી હશે અને ભારત સાથેના સબંધો પર પણ તેની અસર દેખાશે.

(5:00 pm IST)