Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અર્જુન રામપાલના ઘરે NCBનો દરોડો : ડ્રાઇવરની અટકાયત

ડ્રગ્સ મામલાની તપાસ વધુ તીવ્ર બની : એનસીબીએ ધર્મા પ્રોડક્શનના પૂર્વ એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર ક્ષિતિજ પ્રસાદની એક અન્ય મામલામાં ધરપકડ કરી છે

મુંબઈ,તા. : સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્લ એન્ગલની તપાસ કરી રહેલી નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ સોમવારે અભિનેતા અર્જુન રામપાલના મુંબઈ સ્થિત ઘર પર દરોડો પાડ્યો છે. એનસીબીની એક ટીમે અર્જુન રામપાલના ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. એનસીબીના સૂત્રો મુજબ, અર્જુન રામપાલના ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે ડ્રગ્સના કેસમાં અનેક મોટા સ્ટારની સાથે અર્જુન રામપાલનું નામ પણ ઉછળી ચૂક્યું છે. પહેલા એનસીબીએ ડ્રગ્સ ખરીદવા અને લે-વેચ કરવાના ગુનામાં અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડિમોટ્રિએડ્સના ભાઈ અગિસિયાલોસને ફરી એકવાર ઝડપી પાડ્યો છે. અહેવાલ છે કે અગિસિયાલોસને કેસમાં જામીન મળી ગઈ હતી. ત્યારબાદ એનસીબીએ તેની ફરીથી ધરપકડ કરી લીધી. ઉપરાંત એનસીબીએ ધર્મા પ્રોડક્શનના પૂર્વ એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર ક્ષિતિજ પ્રસાદની એક અન્ય મામલામાં પણ ધરપકડ કરી છે. રવિવારે બોલિવૂડના ડ્રગ્સ  કનેક્શનમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ફિર હેરાફેરી અને વેલકમ બેક જેવી ફિલ્મોના પ્રોડ્યૂસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડામાં નડિયાદવાલાના ઘરેથી લગભગ ૧૦ ગ્રામ ગાંજો અને ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. બે સાક્ષીઓની હાજરીમાં ફિરોઝની પત્ની શબાના સઇદની એનસીબીએ ધરપકડ કરી લીધી છે. એનસીબીએ શનિવારે મુંબઈના ચાર અલગ-અલગ સ્થળે દરોડા પાડ્યા હતા. દરમિયાન કોમર્શિયલ ક્વોન્ટિટીમાં ગાંજો, ચરસ અને એક અન્ય ડ્રગ જપ્ત કરવામાં આવી હતી. શનિવાર સાંજની કાર્યવાહી બાદ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમની હાલ તપાસ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ બાદ સામે આવેલા ડ્રગ્સ મામલામાં અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમોટ્રિએડ્સનો ભાઈ અગિસિયાલોસને જામીન મળ્યા બાદ ફરી એનસીબીએ ઝડપી પાડ્યો હતો.

(7:43 pm IST)