Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

આ વર્ષે નૂતન વર્ષ-ભાઇબીજ સાથે : ર૦ર૯માં ફરી આ સંયોગ

સોમવારે એક જ દિવસે નૂતન વર્ષ અને ભાઇબીજ સાથે રહેશેઃ શનિવારે દિવાળી બાદ રવિવારે ધોકો એટલે કે વચલો દિવસ આવશે

નવી દિલ્હી,તા.૯ : દિપોત્સવી પર્વને પગલે શહેરીજનોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બુધવારે રમા એકાદશી સાથે જ પર્વની રોનક શરૂ થઇ જશે. દિવાળી પૂર્વે ખરીદી બજારમાં પણ ધમધમાટ દેખાઇ રહ્યો છે. દિવાળીના શુભ દિવસોમાં ખરીદી, મુહૂર્ત, ચોપડા પૂજનને લઇને શહેરીજનોએ પૂરતી તૈયારીઓ કરી દીધી છે. જે અંતર્ગત ચાલુ વર્ષે ૧૬ નવેમ્બરના સોમવારે નૂતન વર્ષ અને ભાઇબીજની ઉજવણી એક જ દિવસે હોવાની સાથે એ પ્રમાણે આયોજનો કરાયા છે. જોકે, આ પ્રકારનો જ વિશેષ સંયોગ ૯ વર્ષ પછી ૨૦૨૯ની સાલમાં જોવા મળશે. દરમિયાન નૂતન વર્ષ અને ભાઇબીજ બન્ને પર્વ એકસાથે જ હશે.

વર્ષેદહાડે આવતા વિવિધ પર્વોની ઉજવણીમાં તિથિ, તારીખ, દિવસના રસપ્રદ સંયોગ જોવા મળે છે. ચાલુ વર્ષે આગામી સોમવારે આવો વિશેષ સંયોગ સર્જાશે. સોમવારે એક જ દિવસે નૂતન વર્ષ અને ભાઇબીજ સાથે રહેશે. શનિવારે દિવાળી બાદ રવિવારે ધોકો એટલે કે વચલો દિવસ આવશે. દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે એક દિવસ ખાલી રહેશે. બીજી બાજુ આ પ્રકારે દિવાળીના મુખ્ય પર્વ એક જ દિવસે આવ્યા હોય એવું છેલ્લાં ૧૦ વર્ષમાં ૪ વખત બન્યું હોય શહેરીજનો અચરજમાં મુકાઈ ગયા છે. શાસ્ત્રી ડો. કર્દમ દવેએ જણાવ્યું હતું કે, ૨૦૧૦ થી ર૦૨૦ સુધીમાં ચાર વખત એવું બન્યું છે કે બેસતું વર્ષ અને ભાઇબીજ, ધનતેરસ-કાળી ચૌદશ, કાળી ચૌદશ-દિવાળી જેવા પર્વ સાથે આવ્યા હોય. ૨૦૧૦ની સાલમાં બેસતું વર્ષ અને ભાઇબીજ એક જ દિવસે ૭ નવેમ્બરે હતા. ૨૦૧રની સાલમાં ધનતેરસ અને કાળી ચૌદશ એક જ દિવસે ૧ ર નવેમ્બરે હતા. ઉપરાંત, ૨૦૧૬ની સાલમાં આ વર્ષ જેવો જ સંયોગ દેખાયો હતો. જેમાં ૧ ઓકટોબરના રોજ બેસતું વર્ષ અને ભાઈબીજ એકસાથે હતા. ત્યારપછી ગત વર્ષે ૨૦૧૯ની સાલમાં કાળી ચૌદશ અને દિવાળી એક જ દિવસે ૨૭ ઓકટોબરે આવ્યા હતા. આ વર્ષે નૂતન વર્ષ અને ભાઇબીજ એકસાથે ૧૬ નવેમ્બરે છે. આવનારા વર્ષોમાં ૨૦૨૮ અને ૨૦૨૯માં આ પ્રકારે બે પર્વ સાથે હોય એવો સંયોગ સર્જાશે. ૨૦૨૮ની સાલમાં ૧૭ ઓકટોબરના રોજ કાળી ચૌદશ અને દિવાળી એકસાથે આવશે. વળી, ર૦ર૯ની સાલમાં ૭ નવેમ્બરે નૂતન વર્ષ અને ભાઇબીજ એકસાથે રહેશે. આમ, દિવાળીના પર્વો એક જ દિવસે આવ્યા હોય એવા સંયોગ આગામી ૧૦ વર્ષમાં  બે વખત બનશે.

(11:35 am IST)