Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

બિહારઃ ચૂંટણી પરિણામો પૂર્વે કોંગ્રેસમાં ફુટનો ભયઃ દિલ્હીથી નેતાઓ દોડયા

ધારાસભ્યોને એક જુથ રાખવા કવાયત

નવી દિલ્હી, તા.૯: બિહારની ૨૪૩ વિધાનસભા બેઠકો માટે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે. આ ચૂંટણીના પરિણામ ૧૦ તારીખે એટલે કે આવતીકાલે આવનારા છે. ચૂંટણી બાદ એકિઝટ પોલમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની વિદાય અને રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વવાળા મહાગઠબંધનની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. એકિઝટ પોલના પરિણામોથી ઉત્સાહિત કોંગ્રેસને હવે પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે. જેના કારણે આજે સુરજેવાલા પટના પહોંચી ચૂકયા છે.

કોંગ્રેસ હવે એેકિટવ મોડમાં આવી ચૂકી છે. કોંગ્રેસે મતગણતરી બાદ ધારાસભ્યોને એકસાથે રાખવા માટે ૨ વરિષ્ઠ નેતાઓને પટના મોકલ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી મહાસચિવ અવિનાશ પાંડેય અને રણદીપ સુરજેવાલાને પટના રવાના કર્યા છે. આ બંને નેતાઓને ચૂંટણીના પરિણામની જાહેરાત થયા બાદની સ્થિતિમાં પ્રબંધકની જવાબદારી આપીને મોકલાયા છે.

મળતી માહિતી અનુસાર એકિઝટ પોલમાં સત્તાધારી જનતા દળ યુનાઈટેડના નેતૃત્વ વાળા રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધનની વચ્ચે નજીકની લડાઈનું અનુમાન રાખવામાં આવી રહ્યું છે. એવામાં વિરોધી પક્ષની તરફથી ધારાસભ્યોની લેવેચનો પ્રયાસ કરી શકાય છે. આ સ્થિતિને જોતાં બંને નેતાઓને પટના મોકલાયા છે. આ બંને નેતાઓ બિહારમાં રહેશે અને ગઠબંધન સહયોગીઓ સાથે સમન્વય બનાવી રાખશે.

મહાગઠબંધનમાં આરજેડીની સાથે કોંગ્રેસ અને વામદળ પણ સામેલ છે. જયારે એનડીએમાં જેડીયૂ, ભારતીય જનતા પાર્ટી, જીતનરામ માંઝીની પાર્ટી હમ, મુકેશ સહનીની વિકાસશીલ ઈન્સાન પાર્ટી પણ છે. લડાઈ નજીકની છે અને એનડીએ બહુમત માટે જરૂરી ૧૨૨ સીટના જાદુઈ આંકડાની નજીક પહોંચે છે તો એ સમયે વિરોધી દળના પક્ષમાં ઘૂસની કોશિશ કરી શકાય છે. આ સ્થિતિમાં ઓછી સીટો જીતનારી પાર્ટીઓ વધુ સંવેદનશીલ બનશે.

આ સ્થિતિને વિચારીને કોંગ્રેસ પહેલાંથી સતર્ક બની છે. તેઓએ તમામ ઉમેદવારોને ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે તેઓ જીતની ખુશીમાં વિજય જૂલુસમાં સામેલ ન થાય અને પ્રમાણપત્ર મેળવીને પટના ચાલ્યા જાય. મળતી માહિતી અનુસાર કોંગ્રેસની યોજના પોતાના દરેક ધારાસભ્યોને પટનાની કોઈ હોટલમાં રાખવાની છે. ઉલ્લેખનીય છે કે એકિઝટ પોલના અનુમાન જો પરિણામમાં ફેરવાશે તો મહાગઠબંધનની સરકાર બનવાનું નક્કી છે.

(11:34 am IST)